નેપાળમાં 26 ઓગસ્ટે ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી. હવે વૈજ્ઞાનિકોએ બીજી વિનાશક પૂરલહેરની શક્યતા અંગે ચેતવણી આપી છે. નેપાળ-ચીન સરહદ નજીક નદીના ઉપરવાસમાં હજુ પણ પાણીના પ્રવાહમાં અવરોધ હોવાની આશંકા છે. જો આ અવરોધ અચાનક તૂટી જાય તો ફરીથી મોટા પ્રમાણમાં પાણી અને કાટમાળ નીચેના વિસ્તારોમાં ધસી શકે છે.
આ ચેતવણી કાઠમંડુ સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા ICIMOD દ્વારા આપવામાં આવી છે. સંસ્થાના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ હાલ અચાનક આવેલા પૂરના કારણોની તપાસ કરી રહ્યા છે અને નદીના ઉપરવાસમાં સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, લેન્ડે ખોલા વિસ્તારમાં બરફ અને ખડકોનો મોટો હિમસ્ખલન થયો હોવાની શક્યતા છે. તેના કારણે ભારે પ્રમાણમાં બરફ, પથ્થરો અને કાટમાળ નદીમાં પડ્યો હોઈ શકે છે. આ કાટમાળથી નદીનો પ્રવાહ થોડા સમય માટે અટકી ગયો હોય અને ઉપરવાસમાં પાણી એકઠું થયું હોય તેવી શક્યતા છે.
જો આ કુદરતી અવરોધ અચાનક તૂટી જાય તો એકસાથે મોટી માત્રામાં પાણી નીચે તરફ ધસી શકે છે. તેના કારણે ભોટે કોશી અને ત્રિશૂલી નદી પ્રણાલીની આસપાસ રહેતા લોકો માટે ફરી ગંભીર ખતરો ઊભો થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, બુધવારે સવારે લગભગ 9 વાગ્યે ભોટે કોશી બેસિનમાં પાણીનું સ્તર ઝડપથી વધવાનું શરૂૂ થયું હતું. પૂરનું પાણી ત્રિશૂલી નદી પ્રણાલીમાં પહોંચ્યું હતું. ગલ્છીમાં માત્ર 30 મિનિટમાં નદીનું જળસ્તર લગભગ 9 મીટર વધી ગયું હતું. જ્યારે માલેખુમાં પણ આટલા જ સમયમાં જળસ્તરમાં લગભગ 7 મીટરનો વધારો નોંધાયો હતો.
