લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકીનું તરકટ રચનાર શખ્સ સામે વધુ એક ચીટિંગનો ગુનો

તામિલનાડુના વેપારી પાસેથી રૂપિયા 31.8 લાખનો બ્રાસ- કોપરનો માલ મગાવી ઠગાઇ કરી જામનગરમાં લોરેન્સ બીશ્નોઈ ગેંગના નામે ધમકીનું તરકટ રચનાર ચીટર શખ્સ સામે જામનગરના પંચકોશી…

તામિલનાડુના વેપારી પાસેથી રૂપિયા 31.8 લાખનો બ્રાસ- કોપરનો માલ મગાવી ઠગાઇ કરી

જામનગરમાં લોરેન્સ બીશ્નોઈ ગેંગના નામે ધમકીનું તરકટ રચનાર ચીટર શખ્સ સામે જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં રૂૂપિયા 31.8 લાખના ચીટીંગ નો વધુ એક ગુનો નોંધાયો છે. તામિલનાડુના એક વેપારી પાસેથી બ્રાસ અને કોપરનો માલ સામાન મંગાવી લઇ નાણા નહીં ચૂકવી, છું મંતર થઇ જતાં છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં પોલીસ આરોપીને શોધી રહી છે.

તામિલનાડુ રાજ્યના આરકેપુરમના વતની અને આર. જે. ટ્રેડર્સ નામની પેઢી ચલાવતા ભેરારામ માંગીલાલ ચૌધરી નામના બ્રાસ ના વેપારીએ જામનગરમાં વૃદ્ધાશ્રમ નજીક આશિષ એવન્યુ ના ફ્લેટ નંબર 102 માં રહેતા સાગર કારૂૂભાઈ નંદાણીયા સામે રૂૂપિયા 31,08,397 ની છેતરપિંડી કર્યાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની પેઢી પાસેથી ગત 7.6.2024ના દિવસે આરોપી સાગર નંદાણીયાએ પોતાની કીર્તિભાઈ અને સ્વાતિ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ ના વેપારી તરીકે ખોટી ઓળખ આપી હતી, અને સૌ પ્રથમ બ્રાસનો માલ મંગાવીને તેનું બીજે દિવસે જ પેમેન્ટ કરી નાખ્યું હતું, અને વિશ્વાસ ભરોસો કેળવ્યો હતો.
ત્યારબાદ તારીખ 8.6.2024 ના રોજ ફરીથી વધુ 2805 કિલોગ્રામ કોપર તથા 700 કિલોગ્રામ બ્રાસ મળી કુલ 3,505 કિલોગ્રામ માલ સામાન મંગાવ્યો હતો, જેની કિંમત 31,08,397 થાય છે.

જેનો ઓર્ડર આપતી વખતે બીજે દિવસે પેમેન્ટ આપી દેશે તેમ જણાવ્યું હતું, જેથી તમિલનાડુની પાર્ટી એ ટ્રાન્સપોર્ટ મારફતે બ્રાસ અને કોપરનો માલ મોકલી આપ્યો હતો, જેની ડીલેવરી થઈ ગયા બાદ કીર્તિભાઈ નામધારી વ્યક્તિએ પોતાનો મોબાઈલ ફોન બીજાને આપ્યો હતો, અને પોતાનું એક્સિડન્ટ થયું છે, એટલે હોસ્પિટલમાંથી રજા આપે પછી પેમેન્ટ કરી આપશે, તેમ કહી પેમેન્ટ કર્યુ ન હતું. અને ત્યારબાદ થી મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

આખરે તામિલનાડુની પાર્ટી એ જામનગર આવી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તપાસ કરતાં એક રીક્ષા છકડામાં માલ સામાન લઈ જનાર વ્યક્તિના ફૂટેજ મેળવ્યા હતા, અને જામનગરના અન્ય વેપારી પાસેથી ઓળખ કરાવતાં તેનું નામ સાગર કારૂૂભાઈ નંદાણીયા અને જામનગરમાં અનેક લોકો સાથે આ પ્રકારે ચીટીંગ કર્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી સાગર નંદાણીયા સામે જામનગરના પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીએ છે કે સાગર નંદાણીયા સામે જામનગરના અલગ અલગ પોલીસ મથકમાં ચિટિંગ અંગેના અગાઉ બે ગુના નોંધાઇ ચૂક્યા છે, જયારે લોરેન્સ બીશ્નોઈ ગેંગ ના નામે ધમકી નું તરકટ રચવા અંગે પણ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પંચકોસી બી. ડિવિઝનના પી.આઈ. વી.જે. રાઠોડ અને તેમની ટીમ આરોપી સાગર નંદાણીયા ને શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *