ગાંધી જયંતીએ ‘ચાલો ગાંધીનગર’ના નારા સાથે ખેડૂત સત્યાગ્રહની જાહેરાત

ખંભાળિયાનું દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ આંદોલન 108 તાલુકાઓમાં વિસ્તારાશે, લાખો ખેડૂતોની સહી સાથે સરકારને રજૂઆત કરાશે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અપૂરતા વરસાદને…

ખંભાળિયાનું દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ આંદોલન 108 તાલુકાઓમાં વિસ્તારાશે, લાખો ખેડૂતોની સહી સાથે સરકારને રજૂઆત કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અપૂરતા વરસાદને કારણે દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આને અનુલક્ષીને ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતલક્ષી વિવિધ માંગણીઓ સાથે છેલ્લા છ દિવસથી દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ” આંદોલન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈશુદાન ગઢવીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ જે પાંચ દિવસથી ચાલે છે, તે મુદ્દે આગળ અમે આજે પ્લાન બી જાહેર કરવા જઈ રહ્યા છીએ. હવે આ સત્યાગ્રહ 108 અછતગ્રસ્ત તાલુકાઓના સેંકડો ગામોમાં જશે, અમારી 108 ટીમ બની છે અને તાલુકાની 100 લોકોની ટીમ છે, અને સાથે સાથે ગામની પણ અલગ ટીમ બનશે.

ગામની ટીમ ગામમાં સત્યાગ્રહ કરશે કારણ કે તે કહેતા હતા કે તમે ગામમાં આવો. અમને લોકો સાબરકાંઠા, કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં બોલાવી રહ્યા છે તો અમારી ટીમો ત્યાં જશે. આ દરેક મિટિંગમાં અમારી ટીમો ખેડૂતની દુષ્કાળની અરજી ભરાવીશું.

તા. 1 ઓક્ટોબર સુધી આ અરજીઓ ભરાવીશું અને બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના દિવસે ગાંધીનગરમાં “ચાલો ગાંધીનગર” નારા સાથે સત્યાગ્રહ થશે. ત્યારબાદ ખેડૂતોએ કરેલી લાખો સહીઓનું પોટલું સરકાર સમક્ષ રજૂ કરાશે. અમે સરકારને કહીશું કે “આ લાખો ખેડૂતોની અને પશુપાલકોની અરજીઓ છે તો એને તમે યોગ્ય ન્યાય અને વળતર આપો.”

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અમારા આગેવાનો તમામ લોકો ગામડાઓમાં જશે, મીટીંગો કરશે અને હું પણ લગભગ તમામ અછતગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચીશ. સરકાર એવા પણ નાટક કરે છે કે સેટેલાઈટ સર્વે કરશે, આ સર્વે કરશે, તે સર્વે કરશે ત્યારે અમે આ બતાવીશું કે ખેડૂતોએ પહેલેથી જ ફોર્મ ભરેલા છે અને જે ખેડૂતોએ ફોર્મ ભર્યું હશે એને રાહત મળે એ આપણા સૌની ફરજ છે. એટલે અમે સરકાર સમક્ષ લાખો ફોર્મ મૂકીને અમારી રજૂઆત મુકીશું. ખેડૂતોના ખાતામાં જ્યાં સુધી સહાયની રકમ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પ્લાન બી પછી પણ અમે સરકારને અલ્ટીમેટમ આપીશું અને સરકાર દુષ્કાળ જાહેર નહીં કરે તો પછી અમે પ્લાન સી જાહેર કરીશું.

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આ સરકાર ક્યારે જાગશે? કોઈ આત્મહત્યા કરી લે ત્યારે જાગશે? આવું કંઈ ન થાય એટલા માટે અમે અત્યારે સત્યાગ્રહ પર બેઠા છીએ. અમારી એ જ માંગ છે કે ફક્ત દુષ્કાળ તો જાહેર કરો જેથી કરીને ખેડૂતો અને પશુપાલકો માટે રાહતના પગલાં લઈ શકાય.

આ સત્યાગ્રહમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, ઈસુદાનભાઈ ગઢવીએ ગામે ગામના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. કોઈપણ વ્યક્તિ સમાજસેવા કરવાનો નિર્ણય લે ત્યારે તે રાજનીતિમાં જોડાતો હોય છે.

ગુજરાતમાં તો કઈ રીતે રૂૂપિયા કમાવવા, પોતાની ફેક્ટરીઓ ચલાવવી, પોતાના મળતીયાઓના કામ કરાવવા, ફક્ત આ જ રાજનીતિ થઈ ગઈ છે, તો આને બદલશે કોણ?શા માટે આપણે દર વખતે આંદોલન જ કરવા પડે છે? ચૂંટણી આવે ત્યારે આ નેતાઓ લોકોના પગે પડતા હોય છે પરંતુ ચૂંટણી પત્યા પછી લોકોની સામે પણ નથી જોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *