માલધારી સોસાયટીની ઘટના; મોભીના મોતથી પરિવાર શોક મગ્ન
શહેરમા ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ માલધારી સોસાયટીમાં રહેતા વૃદ્ધે મને ઊંઘ નથી આવતી તેવા રટણ સાથે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. વૃદ્ધનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટી મેઇન રોડ ઉપર રહેતા દેવાયતભાઈ રાણાભાઇ સિંધવ નામના 80 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. વૃદ્ધને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઘટના અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક દેવાયતભાઈ સિંધવ ચાર ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે દેવાયતભાઈ સિંધવ છેલ્લા ત્રણેક દિવસથી મને ઊંઘ નથી આવતી તેવું રટણ કરતા હતા અને બાદમાં ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
