ઓડિટ દરમિયાન ભાંડો ફૂટ્યો અને સીસીટીવી ફૂટેજમાં આરોપીની શંકાસ્પદ હિલચાલ કેદ
રાજકોટ શહેરમાં એક ખાનગી કંપનીમાં લાખો રૂૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ-અમદાવાદ હાઈવે પર નવાગામ આણંદપર પાસે આવેલી ’એપકોમોટોલીન્ક પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જેનીશભાઈ સંદીપભાઈ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીમાં મજૂરી કામ કરતા કર્મચારી સંજયભાઈ ભુપતભાઈ જીંજરીયાએ અન્ય શખ્સો સાથે મળીને કંપની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને કુલ 26,08,941/- રૂૂપિયાની કિંમતના સ્પેરપાર્ટ્સની ઉચાપત કરી છે.
આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે કંપની દ્વારા ગત તારીખ 2 અને 3 એપ્રિલ 2026ના રોજ આર.વી.ડી. એન્ડ એસોસીએટ્સ નામની કંપની મારફતે ઓડિટ કરાવવામાં આવ્યું હતું. ઓડિટર રૂૂષીભાઈ દરજીએ રજૂ કરેલા અહેવાલ મુજબ, સ્ટોકમાં 26 લાખથી વધુની કિંમતના બજાજ રિક્ષાના અલગ-અલગ સ્પેરપાર્ટ્સ ઓછા જણાયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગત ફેબ્રુઆરી માસમાં જ એક રિક્ષા ચાલકે મેનેજરને જાણ કરી હતી કે કર્મચારી સંજય જીંજરીયાએ ગેરકાયદેસર રીતે વધારાનો માલ રિક્ષામાં છુપાવીને મોકલ્યો હતો અને તેને બ્રીજ નીચે ઉતારી દેવા જણાવ્યું હતું. આ માહિતીના આધારે જ્યારે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા, ત્યારે સ્પષ્ટ દેખાયું હતું કે આરોપી સંજય જીંજરીયા પેક કરેલા પાર્સલો કંપનીના નિયત રસ્તાને બદલે પાછળના ભાગેથી બારોબાર લઈ જતો હતો.
કંપનીના મેનેજર જેનીશભાઈ મહેતા દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસે આરોપી સંજયભાઈ ભુપતભાઈ જીંજરીયા અને તપાસમાં જેમના નામ ખુલે તે તમામ સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 316(4) મુજબ ગુન્હાહિત વિશ્વાસઘાતનો ગુન્હો દાખલ કર્યો છે. આ ફરિયાદ 17 એપ્રિલ 2026ના રોજ રાત્રે 20:35 કલાકે નોંધવામાં આવી છે. હાલ આ કેસની તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ખોડુભા વખતસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. કંપનીએ પુરાવા તરીકે ઓડિટ રિપોર્ટ, ઓથોરિટી લેટર અને હાજરી પત્રકની નકલ પણ પોલીસને સુપરત કરી છે.
