બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને અયોધ્યામાં વધુ એક નવી પ્રોપર્ટી ખરીદીને મોટું રોકાણ કર્યું છે. રિયલ એસ્ટેટ કંપની ’હાઉસ ઓફ અભિનંદન લોઢા’ પાસેથી તેમણે 2.67 એકર જમીન ખરીદી છે, જેની કિંમત આશરે 35 કરોડ રૂૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ સોદો એબી કોર્પ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યાદવ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે.
આ જમીન HoABLના 75 એકરના લક્ઝરી લેન્ડ પ્રોજેક્ટ ’ધ સરયુ’ની નજીક આવેલી છે. ખાસ વાત એ છે કે અયોધ્યામાં અમિતાભ બચ્ચનની આ ત્રીજી પ્રોપર્ટી છે અને અભિનંદન લોઢા ગ્રુપ સાથેનું તેમનું ચોથું પ્લોટેડ ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. કંપનીના ચેરમેન અભિનંદન લોઢાએ જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચન જેવી હસ્તીનું રોકાણ દર્શાવે છે કે અયોધ્યામાં જમીન હવે માત્ર મિલકત નથી પણ એક મૂલ્યવાન વારસો બની રહી છે.
અયોધ્યામાં જમીન માલિક હોવાનું સાંસ્કૃતિક અને ભાવનાત્મક મહત્વ પણ વધી રહ્યું છે. સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સરકારી રોકાણને કારણે અયોધ્યા હવે લાંબા ગાળાના જમીન રોકાણ માટે દેશનું સૌથી આકર્ષક સ્થળ બની રહ્યું છે. બિગ બીનું આ રોકાણ દર્શાવે છે કે તેઓ અયોધ્યાના ભવિષ્ય અને આધ્યાત્મિક વારસામાં ઊંડો વિશ્વાસ ધરાવે છે.
