ગેસના કમઠાણ વચ્ચે કચ્છના ગાંધીધામમાં રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ

ફાયર સેફટીના સાધનો વગર માત્ર પ્લાસ્ટિકની નળીઓ વડે બાટલા રિફિલ કરવામાં આવી રહ્યા હતા સામાન્ય જનતા ગેસના બાટલા માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી…

ફાયર સેફટીના સાધનો વગર માત્ર પ્લાસ્ટિકની નળીઓ વડે બાટલા રિફિલ કરવામાં આવી રહ્યા હતા

સામાન્ય જનતા ગેસના બાટલા માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી તરફ ઔદ્યોગિક નગરી ગાંધીધામના હાર્દ સમાન ચાવલા ચોક વિસ્તારમાં માન્ય લાયસન્સ વગર અને સુરક્ષાના કોઈ પણ સાધનો રાખ્યા વિના ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કૌભાંડ ફૂલ્યુંફાલ્યું હોવાનો પર્દાફાશ થયો છે. પૂર્વ કચ્છ એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સને 30 કોમર્શિયલ બાટલા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીધામનો ચાવલા ચોકથી રેલવે કોલોની જતો માર્ગ હંમેશા લોકોની અવરજવરથી ધમધમતો હોય છે. પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ જે.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે ‘નિર્મલ ક્રોકરી સેન્ટર’ નામની દુકાનમાં કોઈ પણ જાતના સરકારી પરવાના વગર જોખમી રીતે ગેસ રિફિલિંગનું કામ ચાલે છે.

પોલીસે દરોડો પાડતા દુકાનનો નજારો જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. રહેણાંક અને વ્યાપારી વિસ્તારની વચ્ચે કોઈ પણ ફાયર સેફ્ટીના સાધનો વગર માત્ર પ્લાસ્ટિકની નળીઓ વડે ગેસના બાટલા રિફિલ કરવામાં આવી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી ₹54,000ની કિંમતના 30 નંગ કોમર્શિયલ ગેસના બાટલા, ઇલેક્ટ્રિક વજનકાંટો અને રિફિલિંગ માટે વપરાતી પ્લાસ્ટિકની પાઈપો સહિત કુલ ₹65,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દુકાનના સંચાલક હરમિતસિંગ નિર્મલસિંગ ખાલસાની અટકાયત કરી તેની સામે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસની અછત સર્જાઈ છે, ત્યારે ગેરકાયદે રિફિલિંગ કરનારા તત્વો વધુ સક્રિય થયા છે. આ પ્રકારના વેપલામાં નફો કમાવવાની લ્હાયમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવે છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, પરંતુ ચાલુ અછત વચ્ચે આ પ્રકારની પ્રવૃત્તિ ગંભીર ચિંતાનો વિષય છે.

ગાંધીધામ જેવા પચરંગી શહેરમાં ધમધમતી અનેક હોટલો, રેસ્ટોરેન્ટ અને ખાણી પીણીના ઠેલા ધારકો કોમર્શીયલ ગેસ સિલિન્ડરને બદલે ઘરેલુ ગેસના બાટલા ઉપયોગ કરતા હોવાની ફરિયાદો અનેક વખત ઉઠી ચુકી છે ત્યારે આવા ગેસના વપરાશકારો તંત્રના ધ્યાને ક્યારે ચડશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *