એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતા દર્દીને રેંકડીમાં લઇ જવાયા

જૂનાગઢ શહેરની વણસેલી ટ્રાફિક સમસ્યા આજે એક હસતા-રમતા પરિવાર માટે કાળ સાબિત થઈ છે. જૂનાગઢના માંગનાથ રોડ પર એક વેપારીને હાર્ટ એટેક આવતા તાત્કાલિક એમ્બ્યુલન્સ…

જૂનાગઢ શહેરની વણસેલી ટ્રાફિક સમસ્યા આજે એક હસતા-રમતા પરિવાર માટે કાળ સાબિત થઈ છે. જૂનાગઢના માંગનાથ રોડ પર એક વેપારીને હાર્ટ એટેક આવતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ ભારે ટ્રાફિક જામને કારણે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી ન હતી. અંતે વેપારીને હાથલારીમાં હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી, પરંતુ વિલંબ થવાને કારણે વેપારીએ જીવ ગુમાવ્યો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢના માંગનાથ રોડ પર વેપાર કરતા રાજેશભાઈ કાનાણી નામના વેપારીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ માંગનાથ રોડ પર લાગેલી વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી.

દર્દીની હાલત નાજુક બનતી જોઈ આસપાસના લોકો અને પરિવારજનોએ એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે રાજેશભાઈને એક હાથલારી (રેકડી) માં સુવડાવી પંચહાટડી ચોક સુધી પહોંચાડ્યા હતા. ત્યાંથી તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ રાજેશભાઈની સારવાર શરૂૂ કરી હતી, પરંતુ કિંમતી સમય ટ્રાફિકમાં વેડફાઈ ગયો હોવાથી સારવાર દરમિયાન તેમનું કરૂૂણ મૃત્યુ નીપજ્યું હતું.

રાજેશભાઈ કાનાણીના નિધનથી તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, લોકોનું કહેવું છે કે, જો જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ હોત તો આજે એક વેપારીનો જીવ બચી શક્યો હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *