જૂનાગઢ રેંજ આઈજી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમા, રાજકોટના જેસીપી તરીકે ચૈતન્ય માંડલિક
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગૃહ વિભાગ દ્વારા 37 આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં નિલિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરથી બદલી કરીને રાજકોટ રેન્જના DIG તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં વ્યાપક ફેરફાર કરતા એકસાથે 37 IPS અધિકારીઓની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે.
વહીવટી પ્રક્રિયા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી પોલીસ બેડામાં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે. આ બદલીઓમાં કેટલાક મહત્વના હોદ્દાઓને અપગ્રેડ અને ડાઉનગ્રેડ પણ કરવામાં આવ્યા છે.
રાજ્યના અત્યંત ચર્ચિત અને કડક છાપ ધરાવતા અધિકારી નિર્લિપ્ત રાય (IPS 2010) ની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) માંથી બદલી કરવામાં આવી છે. તેમને હવે રાજકોટ રેન્જના DIG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અશોક કુમારની બદલી બાદ ખાલી પડેલી આ જગ્યા પર પોસ્ટને ડાઉનગ્રેડ કરીને નિર્લિપ્ત રાયની નિમણૂક કરવામાં આવી છે. રાઘવેન્દ્ર વત્સાને અમદાવાદ રેન્જના નવા ઈંૠઙ (ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ) તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે નિલેશ જાનજડિયાને વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૌતમકુમાર પરમારને ગાંધીનગર ખાતે CID ક્રાઇમના IGP તરીકે નિમણૂક અપાઈ છે.
ગૃહ વિભાગે ગગનદીપ ગંભીરને સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજીપી તરીકે વધારાનો હવાલો સોંપ્યો છે. બીજી તરફ, રાજ્યમાં વધતા સાયબર ગુનાઓને નાથવા માટે બિપિન આહિરને ગાંધીનગર સ્થિત ’સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ માં IGP તરીકે મૂકવામાં આવ્યા છે. રાજ્યના વરિષ્ઠ અધિકારી શમશેર સિંઘ આ ચાલુ મહિને જ વય નિવૃત થઈ રહ્યા છે, જે પૂર્વે આ મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો અને અનુભવી અધિકારીઓના કૌશલ્યનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાનો છે.

