ગિરનાર પર્વત પર અંબાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

52 શક્તિપીઠ પૈકીની ઉદયન પીઠમા શ્રી સુકતના પાઠ અને વિશ્ર્વ કલ્યાણના અર્થે હોમ-હવનનું આયોજન ગરવાગઢ ગિરનારની 5000 પગથિયાંવાળી ગગનચુંબી ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાનો…

52 શક્તિપીઠ પૈકીની ઉદયન પીઠમા શ્રી સુકતના પાઠ અને વિશ્ર્વ કલ્યાણના અર્થે હોમ-હવનનું આયોજન

ગરવાગઢ ગિરનારની 5000 પગથિયાંવાળી ગગનચુંબી ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ આગામી 3 જાન્યુઆરી, શનિવારના રોજ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવશે. શાસ્ત્રોક્ત મતે પોષી પૂનમ એટલે માં અંબાનો જન્મદિવસ, જેને લઈને ગિરનાર પર્વત પર ભક્તિમય માહોલ જામશે.

ગિરનારના પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા હજારો માઈભક્તોની હાજરીમાં વિશેષ ધાર્મિક વિધિઓ યોજાશે. આ ઉત્સવ વહેલી સવારના 07:00 વાગ્યાથી શરૂૂ થઈ બપોરના 02:00 વાગ્યા સુધી ચાલશે, જેમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડશે.

મહોત્સવના પ્રારંભે માતાજીને ગંગાજળ અને દૂધથી પવિત્ર અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ શ્રીસૂક્તના પાઠ અને વિશ્વ કલ્યાણના અર્થે હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે માતાજીને સોળ શૃંગાર સજી વિશેષ અલૌકિક રૂૂપમાં દર્શન કરાવવામાં આવશે.

શુભ મુહૂર્તમાં મંદિરના શિખર પર નૂતન ધજા ચડાવવામાં આવશે. બપોરે માતાજીની ભવ્ય મહાઆરતી બાદ થાળ ધરવામાં આવશે અને ત્યારબાદ પધારેલા તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. પુરાણો મુજબ, 52 શક્તિપીઠોમાં ગિરનારની આ પીઠ ’ઉદયનપીઠ’ તરીકે પૂજાય છે. જ્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા, ત્યારે દેવીના ઉદર (પેટ) નો ભાગ અહીં પડ્યો હતો. પર્વતોના પિતામહ હિમાલયના પરદાદા ગણાતા ગિરનાર પર આ સ્થાનક અત્યંત જાગૃત મનાય છે.

દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થતાં સતી પાર્વતીએ યજ્ઞકુંડમાં દેહત્યાગ કર્યો હતો. શિવજીએ સતીના દેહ સાથે તાંડવ શરૂૂ કરતા સૃષ્ટિના રક્ષણ માટે વિષ્ણુ ભગવાને ચક્ર છોડ્યું હતું, જેનાથી નિર્મિત 52 શક્તિપીઠોમાંની એક આ પવિત્ર ઉદયનપીઠ છે. આ વખતે મંદિરના બંને પૂજ્ય મહંતશ્રીઓ બ્રહ્મલીન થયા હોવાથી, સમગ્ર મહોત્સવ જિલ્લા વહીવટી તંત્રની દેખરેખ હેઠળ ઉજવાશે. કલેક્ટર પ્રાંત અધિકારી અને મામલતદારના માર્ગદર્શન હેઠળ મંદિરના પૂજારીઓ અને સ્ટાફ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *