ચોટીલા પોલીસે નાની મોલડી ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપીના ખેતરમાંથી કુલ 180 બોટલ દારૂૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂૂ. 4,53,800 છે. આ કેસમાં એક આરોપી ફરાર છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) અને લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીની સૂચનાથી પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકીને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે ખેતરના શેઢાની વાડમાંથી વિવિધ બ્રાન્ડનો દારૂૂ જપ્ત કર્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી જયરાજ જીલુભાઇ ખાચર (રહે. નાની મોલડી, તા. ચોટીલા) હાજર મળી આવ્યો ન હતો અને તે ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એન. ગળચર, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ કુકડીયા, મેહુલભાઈ મકવાણા અને કોન્સ્ટેબલ આલાભાઈ રોજીયા, દલીપભાઈ માંજરીયા, નરેન્દ્રસિંહ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.
