વરઘોડો કાઢવા સાથે પોલીસે પાયલને પટ્ટાથી પણ ફટકારી

અમરેલીમાં ભાજપના રાજકારણનો ભોગ બનેલી પીડિતાએ અંતે મૌન તોડયું ધારાસભ્ય કૌશિક વેકરિયા અને મુખ્યમંત્રી પટેલને પત્ર લખી ન્યાયની કરેલી માગણી અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક…

અમરેલીમાં ભાજપના રાજકારણનો ભોગ બનેલી પીડિતાએ અંતે મૌન તોડયું

ધારાસભ્ય કૌશિક વેકરિયા અને મુખ્યમંત્રી પટેલને પત્ર લખી ન્યાયની કરેલી માગણી

અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરીયાને સંબોધી પત્ર લખી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યો હતો, જેમાં અમરેલીમાં તાજેતરમાં બનેલી ઘટનામાં વિના વાંકે વરઘોડો કાઢેલી કુંવારી ક્ધયા અને ગુજરાતની દીકરીને ન્યાય આપવા બાબતે પત્ર લખ્યો છે. અમરેલી લેટરકાંડ મુદ્દે જેલમુક્તિ થયેલા પાયલ ગોટી 2 દિવસ બાદ અચાનક વતન વિઠલપુર ગામમાં પોતાના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કેટલીક માહિતીઓ જાહેર કરી છે. જેમાં પોલીસ પર માર માર્યાનો આરોપ લગાવ્યો હતો અને વગર વાંકે વરઘોડો કાઢનાર સામે ઈજ્જત આબરુંનો ન્યાય માગ્યો હતો.

પાયલ ગોટીએ કહ્યું હતું કે, શુક્રવારે હું નોકરીથી છૂટીને આવી સુઈ ગયા પછી આગળનો દરવાજો ખખડાવ્યો. મારા પિતા ઉઠીને બહાર આવ્યા, બે લેડીઝ અને ત્રણ જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું. સવારે મૂકી જઈશું તેમ કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કોઈને હું ઓળખતી નથી, જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યા હતા. મારા પિતાનું શું થાય? હું જેલમાં હતી. મારા મમ્મી પપ્પાને સાચવવા આવ્યા હતા અને મેં ગુન્હો કર્યો જ નથી. જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા અને સાચવવા આવ્યા હતા અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરીયાને વિનંતી ન્યાય અપાવે. મારી જે ઈજ્જત અને મારી આબરૂૂનો જે વરઘોડો કાઢ્યો છે, મને પોલીસે માર માર્યો છે. મને રાજકારણમાં કોઈ રસ નથી.

આગળ અગાઉ પાયલે લખ્યું કે, ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછેરીને સ્વરોજગાર માટે સ્વાભિમાનભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દીકરીની રાજ્યના ખુદરક્ષકો દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાતે ધરપકડ કરવામાં આવે. રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવે. સાથીદારોને દંડા મારી, મને ભયભીત કરવામાં આવી. ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવે. મને બેસાડીને બેરહેમીથી પટ્ટા મારવામાં આવે. જેલના સળિયા પાછળ ધકેલી અને વિના વાંકે એક કુંવારી ક્ધયાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી કમનસીબ ઘટનાથી મને તથા સમગ્ર ગુજરાતની ગરિમાની ભારે મોટી ઠેસ પહોંચી છે.

થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરીયાની બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 2 દિવસ પહેલા જેલમુક્તિ મળ્યા બાદ આજે 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.

પુરાવાનો નાશ કરવા પોલીસના હવાતિયાં: ગોપાલ ઇટાલિયાનો આરોપ
અમરેલીમાં ભાજપની આંતરીક લડાઇમાં વિઠલપુર ગામની નિર્દોષ યુવતીની રાત્રે 12 વાગ્યે પોલીસે ધરપકડ કરી સરઘસ કાઢતા હવે મામલો સળગતા પોલીસ પુરાવાનો નાશ કરવામાં લાગી હોવાનો ‘આપ’ના નેતા ગોપાલ ઇટાલીયાએ આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે રવિવારે સાંજે અમરેલી પોલીસે વિઠલપુર ગામે ધસી જઇ યુવતીની મધરાતે ધરપકડ કર્યાના ગ્રામ પંચાયત સહીતના સીસીટીવી ફુટેજનો નાશ કરવા માટે પ્રયાસો કર્યા હતા. ગામમાં જે જે સ્થળે સીસીટીવી છ ત્યાં ત્યાં પોલીસે રેકોર્ડર કબજે કરી પાપ છુપાવવા પ્રયાસો શરૂ કર્યા છે.

માનવ અધિકાર પંચે સુઓમોટો નોંધ લીધી
અમરેલીમાં ભાજપની આંતરીક ભવાઇમાં નિર્દોષ પાટીદાર યુવતીનું સરઘસ કાઢવાની ઘટના હવે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે રાજયના માનવ અધિકાર પંચે પણ આ ઘટનાની સ્વયંભુ સુઓમોટો નોંધ લઇને ઘટનાને ગંભીર ગણાવી છે અને આ ઘટના સંદર્ભે અમરેલી અસ.પી. સહીત લાગતા વળગતા અધિકારીઓને નોટીસ કાઢી છે અને સમગ્ર ઘટનાનો જવાબ માંગ્યો છે. આગામી દિવસોમાં આ ઘટનામાં મોટા કડાકા ભડાકા થવાની શકયતા દર્શાવાયા છે.

ખોડલધામના પ્રતિનિધિ દિનેશ બાંભણિયાએ બળતામાં ઘી હોમ્યું?
કૌશિક વેકરિયાએ મન મોટુ રાખ્યાનાં નિવેદનથી ધમસાણ

અમરેલીથી પીડીતાને જામીન ઉપર છોડાવવાના નામે અમરેલી દોડી ગયેલા ખોડલધામના પ્રતિનિધિઓ પણ શંકાના ઘેરામાં આવ્યા છે અન સોશિયલ મીડીયામાં હવે આ બાબતે પણ ધમાસાણ મચ્યું છે.

રાજકોટથી અમરેલી દોડી ગયેલા ખોડલધામના આગેવાનોએ આ ઘટનાના મુખ્ય પાત્ર એવા ધારાસભ્ય કૌશિક વેકરીયા સહીતના ભાજપના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી લીધી હતી અને ત્યારબાદ દિનેશ બાંભણીયાએ કૌશિકભાઇએ મોટુ મન રાખ્યાનું નિવેદન આપ્યું તેનાથી આક્રોશ ફેલાયો છ. આ સમગ્ર ઘટનાના વિલન જ કૌશિક વેકરીયા છે ત્યારે તેણે મોટુ મન રાખી પીડીતાને ન્યાય મળે તેવું બાંભણીયાનુ નિવેદન બળતામાં ઘી હોમવા જેવું સાબીત થયું છે. આ ઉપરાંત્ત પીડીતાના વકીલ છેલ્લી ઘડીએ નહીં આવ્યાની વાત ફેલાવવામાં પણ ગંદુ રાજકારણ હોવાનું બહાર આવ્યું છે. પીડીતાની જામીન અરજીની સુનાવણી વખતે લીગલ કામ સબબ બહાર ગયેલા તેના વકીલની કોર્ટમાં ગેરહાજરીને ઇરાદાપુર્વક જાહેર કરાયાનું પણ ચર્ચાય છે.

આખી સરકાર બચાવની સ્થિતિમાં, ભાજપના પાટીદાર નેતાઓ ભરાયા
બીજી તરફ અમરેલીની ઘટના બાદ આખી ભાજપ સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઇ છ. પ્રધાનો પણ આ ઘટના અંગે જવાબ આપવાથી મોં છુપાવવા ફરી રહ્યા છે તો પાટીદાર નેતાઓની હાલત કફોડી બની ગઇ છે. કોંગ્રેસના પાટીદાર નેતાઓ ઉલળી ઉલળીને પીડીતા માટે ન્યાય માંગી રહ્યા છે. જયારે ભાજપના પાટીદાર નેતાઓને મોં છુપાવવુ ભારે પડી રહ્યું છે. આ ઘટનાના મુખ્ય વિલન ધારાસભ્ય કૌશિક વેકરીયા પણ જાહેરમાં દેખાતા બંધ થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *