સિવિલમાં લોહી આપવા આવેલા યુવાન પર પ્રથમ તબીબે હુમલો કર્યાનો આક્ષેપ

પ્ર.નગર પોલીસમાં તબીબે ફરિયાદ નોંધવતા સામાપક્ષે લોકોના ટોળાએ પોલીસ કમિશનરને તટસ્થ તપાસ કરવા માંગ કરી રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના રેસીડેન્ટ ડોક્ટર ઉપર થયેલા…

પ્ર.નગર પોલીસમાં તબીબે ફરિયાદ નોંધવતા સામાપક્ષે લોકોના ટોળાએ પોલીસ કમિશનરને તટસ્થ તપાસ કરવા માંગ કરી

રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના રેસીડેન્ટ ડોક્ટર ઉપર થયેલા હુમલામાં 28 વર્ષીય પાર્થ પંડ્યા નામના તબીબ દ્વારા અંતે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં FIR દાખલ કરવામાં આવી હતી જયારે બીજી તરફ ડોક્ટરને માર મારતા જયદીપ ચાવડાના પરિવારજનો મીડિયા સમક્ષ આવ્યા હતા. પોલીસ કમિશનર કચેરીમાં જયદીપના માતા ગીતાબેન ચાવડાએ ડોક્ટર સામે ગંભીર આક્ષેપો કરી તટસ્થ તપાસની માંગ કરી છે. માલવિયાનગર મેઇન રોડ ઉપર રહેતા અને સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા પાર્થ પંડ્યાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 28 ડિસેમ્બર, 2025એ રાત્રિના એક વાગ્યે પોતાની ફરજ ઉપર હતા ત્યારે લોહીની બોટલ ચઢાવવા બાબતે જયદીપ ચાવડા નામના શખસે ICU વોર્ડમાં પ્રવેશ કર્યો હતો અને ફરજમાં રુકાવટ કરી ફડાકા મારી મુંઢ ઈજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે નેપાળી સેવા સમાજના ઉપપ્રમુખ સંજયરાજે જણાવ્યું હતું કે, અમારા નેપાળી સમાજના એક વ્યક્તિનું અકસ્માત થયું હતું અને તેથી સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. જેથી, મેં મારા ફેસબુક પર તેનો ફોટો મૂક્યો હતો અને બ્લડની જરૂૂરિયાત છે એવું લખ્યું હતું. જે બાદ જયદીપ ચાવડા કે જેઓ મને ઓળખતા પણ નથી અને હું પણ એમને ઓળખતો નથી, તેઓ અહીં બ્લડ આપવા માટે આવ્યા હતા. જોકે, ડોક્ટર સાથે તેમની માથાકૂટ થઈ તે બીજા દિવસે અમને ખબર પડી પરંતુ, હું પણ જ્યારે ડોક્ટર પાસે ગયો ત્યારે તેમનો વ્યવહાર ખૂબ જ ખરાબ હતો. 29મી ડિસેમ્બરના સાંજના સમયે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે તમામ તબીબો એકત્ર થયા હતા અને ડો. પાર્થ પંડ્યાને માર મારતા શખસ સામે રોષ ઠાલવ્યો હતો.

ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશનના પ્રમુખ ડો. કમલસિંહ ડોડીયાએ માગ કરી હતી કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે રીતે રીલ બનાવતા તત્વોની સરભરા કરવામાં આવે છે તે જ રીતે ડોક્ટર પર હુમલો કરી ગુંડાગર્દી કરતા શખસની સરભરા કરવામાં આવે અને કડક સજા કરવામાં આવે તેવી માંગણી છે. ડોક્ટર તરફથી ફરિયાદ બાદ જયદીપ ચાવડાના પરિવારજનો પણ મીડિયા સમક્ષ આવ્યા છે અને પોલીસ કમિશનર કચેરીમાં જયદીપના માતા ગીતાબેન ચાવડાએ ડોક્ટર સામે ફરિયાદ કરી હતી. માતા ગીતાબેને કહ્યું કે, બે દિવસ પહેલા મારો દીકરો જયદીપ ઘરેથી એવું કહીને નીકળ્યો હતો કે, મારા મિત્રનો ફોન આવ્યો છે કે, સિવિલ હોસ્પિટલમાં એક ભાઈને બ્લડની જરૂૂર છે. બિનય થાપા હોસ્પિટલમાં દાખલ હતા. જે છેલ્લા પાંચ દિવસથી ત્યાં હતા.

મારો દીકરો જયદીપ બ્લડ ડોનેટ કરવા માટે પહોંચ્યો હતો તો ડો.પંડ્યાએ કહ્યું કે, અગાઉ મેં લખીને આપ્યું છે. જેથી, ફરી લખીને નહીં આપું. જે બાદ મારો દીકરો ત્રણથી ચાર વિભાગમાં ગયો હતો પરંતુ, તેને કોઈ ચિઠ્ઠી લખીને આપવામાં ન આવી. જે પછી ફરી મારો દીકરો ડો. પાર્થ પંડ્યા પાસે પહોંચ્યો હતો અને દર્દીને બ્લડની તાત્કાલિક જરૂૂર હોવાથી ચિઠ્ઠી લખી આપવા માટે જણાવ્યું હતુ. જોકે, ત્યારે ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, તું અહીંથી નીકળી જા. દરરોજ તારા જેવા કેટલા આવતા હોય અને કેટલા જતા હોય. જે બાદ બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી અને ત્યારબાદ ડોક્ટર દ્વારા પણ મારા દીકરાને મારવામાં આવ્યું હતુ. જેથી અમારી પણ ડોક્ટર સામે પોલીસ ફરિયાદ છે અને પોલીસ દ્વારા અધૂરા નહીં પરંતુ, પૂરા CCTV ફૂટેજ તપાસ્યા બાદ કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *