રાજકોટમા વધુ એક બનાવમાં ગઠિયાએ બે લોકો પાસેથી રૂૂપિયા મેળવી લઈ રેસિડેન્સીયલની બદલે કોમર્સિયલ પેનલ ફિટ કરી દઈ મળવા પાત્ર રૂૂ.1.56 લાખની સબસિડી ન મળી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં શહેરના બોલબાલા રોડ, આહીર ચોક પાસે આવેલ રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં.1માં રહેતા દીપકભાઈ રામભાઈ બારડ (ઉં.વ.39)એ ભક્તિનગર પોલીસમાં બોરિયા ગામના મંથન દિનેશભાઈ સતાસિયા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પૂર્વે તેના ઓળખીતા મનસુખભાઈ પટેલના ઘરે સોલાર પેનલ નખાવેલ જેથી તેની સબસિડી મંજૂર થઈ ગયેલ હોય જેથી તેને કોઠારિયા રોડ સાંઈબાબા સર્કલ પાસે શ્રી ઈલેક્ટ્રિક વાળા મંથનનો સંપર્ક કરી ઘરે પેનલ નાખવાની વાત કરતા તેણે રૂૂ.1.50 લાખમાં 3.25કિલો/વોટ સોલાર પેનલ ફિટ કરી આપશે જેમાં રૂૂ.78 હજાર સબસિડી મળશે તેવી વાત કરી જેથી તેને તેની પત્નીના નામનો રૂૂ.1.40 લાખનો ચેક મંથનને આપેલ બાદમાં બીજા દિવસે તેણે પૈસા ઉપાડી લઈ છ માસ પછી ઘરે પેનલ ફિટ કરી હતી.
ફિટિંગ થયા બાદ સબસિડી ખાતામાં જમા ન થયેલ હોવાથી શખ્સને ફોન કરતા તેણે સરખો જવાબ આપેલ ન હોય જેથી પીજીવીસીએલ કચેરીમાં જઈ તપાસ કરતા શખ્સે પીએમ સૂર્યઘર યોજનાના ઓનઈલાઈન પોર્ટલમાં માહિતી અપલોડ કરી નથી તેવું જાણવા મળ્યું હતું. અન્ય સોલાર ફિટિંગનું કામ કરતા લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, પેનલની પ્લેટના તથા બિલના સિરિયલ નંબર અલગ છે અને રેસિડેન્સીયલની જગ્યાએ કોમર્સિયલ ફિટ કરી આપી છે. તેમજ અશોકભાઈ રાદડિયાને પણ સબસિડી મળશે કહી પેનલ ફિટ કરી દઈ બન્નેને મળવા પાત્ર સબસિડી જેની કુલ રકમ રૂૂ.1.56 લાખ મળેલ ન હોય જેથી ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
