શહેરમાં નાના ધંધાર્થીઓ તથા ફેરીયાઓ પોતાના ધંધા-વ્યવસાય દ્વારા રોજગારી મેળવી શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 85 જેટલા હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે. જેમાં 3200 જેટલા હોકર્સ ધંધો વ્યવસાય કરી રહ્યા છે.
હોકર્સ ઝોનમાં મંજુરી અપાયેલ હોકર્સ જ ધંધો વ્યવસાય કરી શકે અને હોકર્સની ઓળખ થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ હોકર્સ ઝોનમાં વ્યવસાય કરતા હોકર્સને QR કોડવાળા ઓળખપત્ર આપવામાં આવેલ છે. આ ઓળખપત્રમાં હોકર્સનો ફોટો, નામ, હોકર્સ ઝોનનું નામ દર્શાવવામાં આવેલ છે. ઉપરાંત એક યુનિક QR કોડ આપવામાં આવેલ છે. જે QR કોડ સ્કેન કરવાથી રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમને હોકર્સ અંગેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકશે.
QR કોડવાળા ઓળખપત્રના કારણે મંજુરી વગરના બિન અધિકૃત ફેરીયાઓની ઓળખ કરવી સરળ બનશે. તેમજ મંજુરી વગરના ફેરીયાઓને દુર કરવાની કાર્યવાહી સત્વરે કરી શકાશે. શહેરના નોંધાયેલ તમામ હોકર્સને આપવામાં આવેલ QR કોડવાળા ઓળખપત્ર પોતાની રેંકડી ઉપર સ્પષ્ટરીતે દેખાય તે મુજબ રાખવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવેલ છે. ઓળખપત્ર ઉપલબ્ધ ન હોય તેવા હોકર્સ સામે નિયમોનુસાર રેકડી/કેબિન અને અન્ય માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
