અલખનો સાદ : રાત અંધારી સતીને વાયક આવ્યા જી રે…!

જિંદગીમાં કોઈ એવી નિશ્ચિત ઘડિયાળ નથી કે એના નિયત વળાંકે આપણે શેતરંજી સંકેલવાની થાય. છે પણ સૌની સ્વતંત્ર, સ્વાયત્ત અને અમુક અંશે સ્વચાલિત કે સ્વયંસંચાલિત…

જિંદગીમાં કોઈ એવી નિશ્ચિત ઘડિયાળ નથી કે એના નિયત વળાંકે આપણે શેતરંજી સંકેલવાની થાય. છે પણ સૌની સ્વતંત્ર, સ્વાયત્ત અને અમુક અંશે સ્વચાલિત કે સ્વયંસંચાલિત છે. એમ કહેવાય કે એનું તો ભાઈ કંઈ નક્કી નહિ. એટલે ભજનમાં ગવાયું છે – રાત રે અંધારી સતીને વાયક આવ્યા……! આ પંક્તિમાં વાયક એટલે અલખનો સાદ. એ સાદ જેને પણ જ્યારે સંભળાય એ ઘરબાર શેરી-પાદર પડતાં મૂકીને ચાલી જ નીકળે…! આવા વાયક સહુને આવતા નથી ને આવે તો ઓસરીની કોર બહાર ઊભા રહી જાય, કાન લગી પહોંચે જ નહિ. આ તો અધ્યાત્મના મલકની વાત છે. પણ સંસારમાંય શરીર વધારે પડતું હાલક-ડોલક થાય એટલે હવે પછીના બીજા અવતારનું તેડું આવ્યું સમજવું. ના સમજે વો અનાડી હે ! કોરોનાકાળમાં કંઈ કેટલીય નાવડીઓ ડૂબતા ડૂબતા બચીને કાંઠે પહોંચતી આપડે જોઈ છે. કોરોના સિવાય પણ શરીર પાછું પડતું જોવા મળે છે. લોકો પૂછે છે કે એલા આમ સાવ સૂકાઈ કેમ ગયા? ભાભી બે ટંક રોટલા તો ઘડી દે છે ને ?

શરીરથી મોટી કોઈ અજાયબી આ સંસારમાં નથી ને એ વાત દરેક શાસ્ત્રોએ પોતાની રીતે કહી છે. પોતાના જ શરીરની અજાયબીઓ કોણ નથી જાણતું ? છતાં એ તરફ દુર્લક્ષ કોણ નથી સેવતું ? પરંતુ એક દિવસ આવે છે જ્યારે શરીર હિસાબ કરવા બેસે છે. તમે એના પર જે વીતાડી હોય એ જ એ તમારા પર વિતાવવા ઉત્સુક થાય છે. બહુ કામ લીધું હોય તો એ બહુ આરામ ચાહે છે. બહુ આરામ કર્યો હોય તો એ વધારાની કસરત પણ કરાવે છે. આ બધામાં આકસ્મિકતાને બાજુએ રાખો તો શરીર એક જ સિદ્ધાન્તનું પાલન કરે છે કે વાવો તેવું લણો.
માણસજાત પોતાના શરીર પર ધર્મના મૂળ કહેવાતી દયા દાખવીને પણ વર્તે તો એણે પછી સીધા કોઈ ધર્મના આશ્રયની જરૂૂર નહિ. પણ એવું તો ભાગ્યે જ બને છે. વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી ભણવાની આવે છે અને એ સિવાય શરીરશાસ્ત્ર વિશે ભણતરમાં નહિવત્ જ જ્ઞાન પીરસવામાં આવે છે. હોસ્પિટલમાં પિતાને લિવરમાં સોજો આવ્યો હોય તો સંતાનો સારવાર કરાવવા લઈ જાય છે પણ એમને ખબર હોતી નથી કે શરીરમાં લિવરનું કાર્ય શું છે ? એવું જ કિડની વિશે છે. અબુધ લોકોને ખબર નથી કે શરીરમાં કિડનીનું સ્થાન ક્યાં છે !

શરીરને પણ પ્રાથમિક રીતે બોલવાની ટેવ હોય છે. પછી તમે એને ન જ ગણકારો તો એ બોલતું બંધ થઈ જાય છે. પછી જે કંઈ શરીરે બોલવાનું હોય એ અન્ય કોઈક બોલે છે. આ ’અન્ય’ ને આપણે ડોક્ટર તરીકે પણ ઓળખીએ છીએ. શરીર આપણું પોતાનું અને વાત કરે બીજા. આપણે કંઈ અજ્ઞાત તો હોતા નથી પરંતુ શરીરને ન સાંભળવાની ’બહેરાશ’ આપણે આપણી વિવિધ રસવૃત્તિઓથી કેળવી લીધી હોય છે; આ રસવૃત્તિઓ જ આગળ જતાં જિંદગીને નિ:રસ બનાવવાની મુખ્ય જવાબદારી નિભાવે છે. જેમને ડોક્ટરો બહુ એડવાન્સમાં જગાડે છે તેઓ તો ભાગ્યવાન છે બાકી સંસાર તો ચાહે જ છે કે દુ:ખ ભોગવવાનું આવશે ત્યારે ભાન થશે ને મોટા ભાગના કિસ્સાઓમાં એમ જ થતું હોય છે.

બધા વિશે બધા બધું જાણે છે. દરેક ખાનગી વાત થોડા સમય માટે જ ખાનગી હોય છે. પરિવારથી પણ કંઈ ગુપ્ત રહેતું નથી. ફોન કરનારો એક વર્ગ છે એમ ફોન ડિલિટ કરનારો પણ એક વર્ગ છે. આવેલો ફોન પણ ડિલિટ કરે ને પોતે કરેલો ફોન પણ ડિલિટ કરે. કર્મનું ચક્ર ખતરનાક છે. કર્મ ડિલિટ કરવાની કળા કુદરતે મનુષ્યને આપી નથી. કર્મોના ફળ ડોક્ટરો પણ ડિલિટ કરી શકતા નથી. જે તમે ધંધા કરો કે પરાક્રમ કરો તો ઐનો વરઘોડો સમાજમાં ફરતો ફરતો એક દિવસ તમારે આંગણે આવીને ઊભો રહે છે. સંતો અને સતશાસ્ત્રો કહી કહીને થાકી ગયા કે સજ્જનતાના રસ્તે ચાલો નહિતર ભરબપોરે તારા દેખાશે. પણ કુકરમીઓને એ કંઈ સંભળાતું નથી. શરીર લથડે પછી બધી ભાન આવે છે પણ ત્યારે નદીઓમાંથી ઘણા પાણી વહી ગયા હોય છે.

કોઈને પણ, જો તમે ડોક્ટર ન હો તો એમના શરીર પ્રત્યે સાવધાન કરવા એક પ્રકારનું અપમાન હોવાથી એવું જોખમ ઉઠાવવા હવે કોઈ તૈયાર નથી. દર્પણ પણ આપણે જે જોવું હોય તે જ આપણને બતાવે છે જે જોવું જોઈએ એ તો નહિ જ. કારણ કે કાનમાં જેમ આપણે ’બહેરાશ’ કેળવી તેને સમાંતર આંખે અંધાપો પણ આપોઆપ કેળવાઈ જતો હોય છે. આપણી આવી બધિરતા અને આવા અંધત્વને ભેદીને જ એક સલૂણી સંધ્યાએ મેડિકલ રિપોર્ટસ્ આપણા કરકમળમાં આવી પહોંચે.

આ જગતમાં આવેલો દરેક જીવાત્મા ઉમંગોથી ભરપુર રહે છે. આશાઓ જ એને ઉછેરે છે. એટલે જીવાત્મા કંઈ વયોવૃદ્ધ થતો નથી, નાનો ને નાનો જ રહે છે. મીરાં વાત તો આપણા સહુના હંસલાની કરે છે. મારો હંસલો નાનો…. આ ચિત્ર આપણા પોતપોતાના હંસલાનું એટલે કે જીવાત્માનું સ્ટેટસ છે. દેવળ એટલે કે હંસલાને રહેવાનું આ શરીર હવે જૂનું થયું છે. મીરાં કહેવા એ ચાહે છે જે સનાતન સત્ય છે કે હંસલા તો નાના જ રહેવાના છે અને દેવળ તો જૂના ને જર્જરિત જ થવાના છે. જે કંઈ પ્રવૃત્તિ કરો તે આ સત્યને ધ્યાનમાં રાખીને કરજો.
જેવો છે એવો પણ હંસલો છે તો મજાનો. યોગ શાસ્ત્રના એક અધ્યાયમાં કહેવાયું છે કે શરીરને સ્થિર કરવું બહુ મુશ્કેલ છે. શરીર પ્રતિક્ષણ સંચારિત છે.

અહીં એની ભૌતિક સ્થિરતાની વાત નથી. સંસારના સર્વ ચુંબકથી મુક્ત અને પોતાની ધરા તથા પોતાની ધરી પર સ્થિર – અવિચલિત એવા શરીરની વાત છે. આયુર્વેદના એક પ્રકરણમાં એમ કહ્યું છે કે આપણું આ પંચતત્ત્વનું શરીર વાસ્તવમાં તો સૂક્ષ્મ શરીરનો પડછાયો છે. એટલે કે ખરેખર જે ’છે’ તે સૂક્ષ્મ શરીર જ છે. વિશારદો સર્વ સમસ્યાઓ કે આનંદના કારણરૂૂપે એ સૂક્ષ્મ શરીરને જ જુએ છે. આપણાથી આમ જુઓ તો એ સૂક્ષ્મ શરીર સાવ અજાણ્યું તો નથી. ફેન્ટેસીમાં એ સૂક્ષ્મ શરીર જ અસ્તિત્વ ધરાવતું હોય છે. એ ભૌતિકને ઓળંગી જાય છે. એ સૂક્ષ્મ શરીર જ્યારે સકારાત્મકતા તરફ પ્રવૃત્ત થાય તો પછી આયુષ્યભર ડોક્ટરની જરૂૂર રહેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *