ખેડૂતોને ઘરઆંગણે રવીપાકો અંગે માર્ગદર્શન તથા યોજનાકીય સહાયની માહિતી અપાશે
રાજકોટ જિલ્લાના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ અને માહિતી મળી રહે તે હેતુથી દરેક તાલુકામાં તા.6 અને 07 ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ યોજાશે. આ સાથે પશુપાલન વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ બે દિવસ માટે પશુ આરોગ્ય કેમ્પ યોજાશે.
રાજકોટ જિલ્લામાં નરવિ કૃષિ મહોત્સવ-2024’ના આયોજન અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક મળી હતી. જેમાં બે દિવસીય કાર્યક્રમોની રૂૂપરેખા નક્કી કરાઈ હતી. પ્રથમ દિવસે સસ્ટેનેબલ ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિ, મિક્સ ફાર્મિંગ, કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત યોજાશે. બીજા દિવસે વેલ્યૂ એડિશન દ્વારા ખેડુતોની આવકમાં વધારો, મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર પરિસંવાદ, કૃષિ પ્રદર્શન તથા ખેડુતો દ્વારા પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે.
કૃષિ મહોત્સવમાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકઓ દ્વારા પ્રાકૃતિક ખેતી, મિલેટ પાકોમાં મુલ્ય વર્ધન, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા, ખેતી અને બાગાયતી પાકોમાં મુલ્ય વર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રીસીઝન ફાર્મિંગ જેવા વિષયો સેમીનારમાં આવરી લઇ કાર્યક્રમમાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.
આ દરમિયાન કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ વિભાગ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેકનોલોજી, સુક્ષ્મ પિયત પદ્ધતિ, કિસાન ક્રેડિટ કાર્ડ, બીજ નિગમ, ફાર્મ મિકેનાઈજેશનના સ્ટોલ સહિતના 10-15 સ્ટોલ ઊભા કરવામાં આવશે.
જિલ્લાના ધોરાજી તાલુકામાં ભગવતસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, ગોંડલમાં લેઉવા પટેલ સમાજ, શિવરાજગઢ ખાતે, જામકંડોરણામાં એ. પી. એમ.સી માર્કેટીંગ યાર્ડ, જસદણમાં આદમજી લુકમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ (સ્પોર્ટસ કલ્બ ગ્રાઉન્ડ) વિંછીયા રોડ ખાતે, જેતપુરમાં તાલુકા પંચાયત, કોટડા સાંગાણીમાં ભાડવા-રણછોડદાસ આશ્રમ, સરધાર રોડ ખાતે, લોધિકામાં રમત-ગમતનું મેદાન, થોરડી રોડ ખાતે, પડધરીમાં કડવા પટેલ સમાજ, સરપદડ ખાતે, રાજકોટ તાલુકામાં એ.પી.એમ.સી.-બેડી, આવક ગેઇટની બાજુનું મેદાન ખાતે, ઉપલેટામાં માર્કેટીંગ યાર્ડ, કોલકી રોડ તેમજ વિંછિયામાં તાલુકા પંચાયત ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાશે.