વાંકાનેરના જામસર ગામે વીજકરંટથી પિતા બાદ પુત્રએ પણ સારવારમાં દમ તોડ્યો

વાંકાનેર તાલુકાના જામસર ગામે ખેતરમાં લાગેલી આગ ઓલવવા જતાં વીજ કરંટ લાગવાથી પિતા-પુત્રના મોત થયા છે. આ ઘટનામાં 57 વર્ષીય પિતા વાઘજીભાઈ દેલવાડીયાનું ઘટનાસ્થળે જ…

વાંકાનેર તાલુકાના જામસર ગામે ખેતરમાં લાગેલી આગ ઓલવવા જતાં વીજ કરંટ લાગવાથી પિતા-પુત્રના મોત થયા છે. આ ઘટનામાં 57 વર્ષીય પિતા વાઘજીભાઈ દેલવાડીયાનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું, જ્યારે તેમને બચાવવા ગયેલા 25 વર્ષીય પુત્ર જયદેવનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું હતું. જામસર ગામના રહેવાસી વાઘજીભાઈ શીવાભાઈ દેલવાડીયા (ઉં.વ. 57) પોતાની વાડીમાં કામ કરી રહ્યા હતા. તે સમયે વાડીમાં રાખેલા નીરણના જથ્થામાં અચાનક આગ લાગી હતી. આગ ઓલવવાના પ્રયાસમાં તેઓ દોડી ગયા હતા.

આ દરમિયાન વાડીમાંથી પસાર થતી PGVCLની વીજ લાઈનનો એક તાર તૂટીને જમીન પર પડ્યો હતો. આગ ઓલવતી વખતે અકસ્માતે વાઘજીભાઈનો પગ જીવંત વીજ વાયર પર આવી જતાં તેમને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. પિતાને વીજ કરંટ લાગતા જોઈને તેમના 25 વર્ષીય પુત્ર જયદેવ તેમને બચાવવા દોડ્યા હતા. આ પ્રયાસમાં જયદેવને પણ વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રફાળેશ્વર નજીક આવેલી એપેક્ષ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન જયદેવનું પણ અવસાન થયું હતું.

મૃતક જયદેવના ઘરે એક મહિના પહેલા જ બાળકનો જન્મ થયો હતો. આ દુર્ઘટનાને કારણે એક માસના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. એક જ પરિવારના બે સભ્યોના આકસ્મિક નિધનથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.આ ઘટના અંગે પોલીસે નોંધ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *