આજથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એડવાન્સ વેરા યોજના અને પડતર બાકી રહેલા વેરા માટે વન ટાઇમ ઇન્સ્ટોલેમન સ્ક્રીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતગર્ત 31 મે સુધીમાં એડવાન્સ વેરો ભરનારને 10 ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. તેમજ પાછલા બાકી લેણા માટે 25-25 ટકા લેખે ચાર વર્ષના હપ્તા કરી દેવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે સવારથી જ રાજકોટ મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસમાં આવેલા સિવિક સેન્ટર ખાતે લાઇનો લાગી હતી.
આજ રોજ 01:15 વાગ્યા સુધીમાં કુલ 6,366 કરદાતા દ્રારા રૂ.2.99 કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ 4,723 કરદાતા દ્રારા ઓનલાઇન રૂ.2.19 કરોડ તથા 1,643 કરદાતા દ્રારા ચેક તથા રોકડાથી રૂ.0.71 કરોડ આવક થયેલ છે. ભરપાઈ કરેલ કુલ વેરામાં 37 લાખ જેટલી રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તમામ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે મિલ્કતવેરા તથા પાણી વેરો સ્વીકારવામાં આવે છે. આ બાબતે ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસમાં છાંયડા, પીવાના પાણી તથા જરૂરી બેઠક વ્યવસ્થાની સુવિધા કરવામાં આવેલ છે.
