શહેરના હુડકો ચોકડી પાસે આવેલ ભૂતનાથ મંદિર નજીક રહેતા એક આધેડનું ઝાડા-ઉલટીના કારણે શરીરમાં પાણી ઘટી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોવાભાઇ અરશીભાઈ વાજેલીયા (ઉં.વ. 55) ગઈકાલે રાત્રિના સાત વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે અચાનક તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવની ગંભીરતાને જોતા હોસ્પિટલ ચોકી દ્વારા જરૂૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ગોવાભાઇ વ્યવસાયે ડબ્બાના ઢાકણા બનાવવાનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા થોડા સમયથી તેમને ઝાડા-ઉલટીની તકલીફ થઈ હતી, જેના કારણે તેમના શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું હતું (ડિહાઈડ્રેશન) અને ભારે અશક્તિ આવી ગઈ હતી. આ શારીરિક નબળાઈને કારણે તેઓ બેભાન થઈ ગયા હતા અને અંતે તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મૃતક ગોવાભાઇને સંતાનમાં બે દીકરા અને પાંચ દીકરીઓ છે. પિતાના અકાળે અવસાનથી સાતેય સંતાનોએ આજે પિતાની છત્રછાયા ગુમાવી છે. શ્રમિક પરિવાર પર આવી પડેલી આ આફતને પગલે સ્થાનિક વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.
