આરોપીએ ઘટનાસ્થળે હથિયાર છૂપાવ્યું હતું: આરોપી સામે હાલ 13 ગુના નોંધાયેલા છે
રાજ્યમાં આજે એક જ દિવસમાં બે આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરિતે પોલીસકર્મીનું ગળું દબાવ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં મારામારી અને રાયોટિંગના ગુનાની ઘટનામાં રિક્ધસ્ટ્રકશન દરમિયાન આરોપીએ પોલીસકર્મી પર છરીથી હુમલો હતો. જેથી સ્વબચાવમાં પોલીસે બન્ને આરોપીના પગમાં ગોળી મારી હતી. હાલ બન્ને આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રથમ બનાવમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે આરોપી પર કરેલા ફાયરિંગની ઘટના વિશે. લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારી અને રાયોટિંગના ગુનાની ઘટનામાં રિક્ધસ્ટ્રકશન દરમિયાન આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો. જેને પગલે સ્વબચાવમાં પીએસઆઇ વી.એમ. કોડિયાતરે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. જેથી આરોપીને પગમાં એક ગોળી વાગી હતી. તપાસમાં આ આરોપી હિસ્ટ્રીશીટર હોવાનો ખુલાસો થયો છે. આ આરોપી સામે કુલ 13 જેટલા ગુના નોંધાયા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી દેવરાજ બોરાણાને મારામારી અને રાયોટિંગના ગુનામાં સ્થળ પર રિક્ધસ્ટ્રકશન માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક છરી કાઢી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. પોલીસ પર હુમલો થતાં પીએસઆઇ વી.એમ. કોડિયાતરે સ્વબચાવમાં આરોપી દેવરાજ બોરાણાના પગમાં ગોળી મારી હતી. ગોળી વાગતા આરોપી દેવરાજ બોરાણા ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત પોલીસકર્મી અને આરોપી દેવરાજ બોરાણા બંનેને તાત્કાલિક સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું કે, દેવરાજ બોરાણા નામનો આરોપી કે જેના પર જૂના 11 અને હાલના મારામારી અને રાયોટિંગના મળી કુલ 13 જેટલા ગુના નોંધાયેલા છે. ત્યારે છેલ્લે દાખલ થયેલો મારામારી અને રાયોટિંગના ગુનામાં આરોપી ઝડપાયો હતો. તેને આજે લીંબડીના શિયાણીના ગામે રિક્ધસ્ટ્રકશન માટે લઈ જવાયો હતો. આરોપીને એના રહેણાંક વિસ્તાર કે જ્યાં એણે હથીયાર છુપાવ્યું હોય ત્યાં એને રિક્ધસ્ટ્રકશન માટે લઇ જવાતા એને ત્યાં છુપાવેલી છરી વડે અમારા એક પોલીસ કર્મી પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આથી ત્યાં હાજર પીએસઆઇએ એને રોકવાનો પ્રયત્ન કરતા એ ભાગવા જતા પીએસઆઇએ પાંચ જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.
વધુમાં જણાવ્યું કે, ફાયરિંગ દરમિયાન આરોપીના પગમાં એક ગોળી વાગી હતી. જેથી આરોપીને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા બાદ હાલ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. જયારે ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને પણ સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે. હાલ પોલીસ બંદોબસ્ત સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે. ઉલ્લેખનીય છેકે આજે એક જ દિવસમાં પોલીસે બે આરોપી પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની છે. આ ઘટના સિવાય અગાઉ 4 મહિનામાં 7 આરોપી પર ફાયરિંગ કરાયું હતું. ત્યારે આજે વધુ બે આરોપી પર પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા છેલ્લા 4 મહિનામાં 9 આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે.
બિશ્નોઇ ગેંગના સાગ્રીતે પોલીસમેનનું ગળુ દબાવતા પોલીસનું સ્વબચાવ માટે ફાયરિંગ
ગુજરાત SMC દ્વારા અશોક બિશ્નોઇ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધીને તેની ધરપકડ માટે તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એસએમસીની ટીમ બાતમીના આધારે આસામના ગુવાહાટીમાં પહોંચી હતી. જ્યાંથી આરોપી અશોક બિશ્નોઇને ઝડપી પાડીને તેને લઈને ગાંધીનગર આવી રહી હતી. SMCની ગાડીમાં PI, 2 PSI, એક કોન્સ્ટેબલ અને આરોપી હતા. આ દરમિયાન લીમડી- લીમખેડા હાઈવે પર આરોપી અશોક બિશ્નોઇએ કાર ચલાવી રહેલા PSI કે.ડી.રવ્યાના ગળામા સીટબેલ્ટ નાખીને તેનું ગળું દબાવી દીધું હતું, જે બાદ કારમા સવાર પોલીસ ઈન્સ્પેક્ટર આર.જી.ખાટે આરોપી અશોક બિશ્નોઈને સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં આરોપીએ સીટ બેલ્ટથી ગળું દબાવવાનું ચાલું રાખ્યું હતું. જેથી આખરે પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીને પગમાં ગોળી મારી હતી. જે બાદ આરોપીએ સીટ બેલ્ટ છોડ્યો હતો. રિવોલ્વરની ચલાવેલી ગોળી આરોપીના પગની આરપાર નીકળી ગઈ હતી. તેમજ ગાડીના પતરાને તોડીને ગોળી બહાર નીકળી ગઈ હતી. આરોપી ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
