રાજકોટમાં 18 વર્ષ પૂર્વે ખૂની હુમલામાં સંડોવાયેલ કુખ્યાત શખ્સ જેનું પોલીસે એન્કાઉન્ટર કર્યું હોય તેનો સાગ્રીત જે હુમલાના ગંભીર ગુનામાં છેલ્લા 18 વર્ષથી ફરાર હોય તેને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કોડે ગોંડલમાંથી ઝડપી લીધો હતો. યુવાન વયે ગુનો આચરી ફરાર થઈ ગયા બાદ લગ્ન કરી લીધા હતા અને છૂટાછેડા પણ થઈ ગયા હતા. હવે આધેડ વયની ઉંમરમાં તે પકડાયો હતો. મળતી વિગતો મુજબ રાજકોટના શ્રધ્ધા પાર્ક મેઈન રોડ પર બાલાજી ચોક પાસે 2007માં હુડકો કવાર્ટરમાં રહેતા સંજયભાઈ જયસુખભાઈ પરમાર (ઉ.વ.20) ઉપર જૂના ઝઘડાના મનદુ:ખમાં ઘરેથી બોલાવી હિતેશ ઉર્ફે રામલો અને શાંતીલાલ નામના શખ્સે છરીના ઘા ઝીંકી તેની હત્યાનો પ્રયાસ થયો હતો.
આ ગુનામાં સામેલ કુખ્યાત આરોપી હિતેશ ઉર્ફે રામલો માનસેતાનું આશરે 12-15 વર્ષ પહેલા લક્ષ્મીનગર રોડ પર માલવિયાનગર પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. ગંભીર ગુનામાં સામેલ હિતેશને પોલીસ પકડવા જતાં હુમલો કરતા પોલીસમેનને ઈજા થઈ હતી. ભક્તિનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અગાઉ કુખ્યાત હિતેશ ઉર્ફે ટ્રોકલો શાંતીલાલ મા ઉર્ફેડો હેમરાજભાઈ મિસ્ત્રીની ધરપડ કરી કાર્યવાહી કરી હતી. જયારે શાંતીલાલ ઉર્ફે જીગર બોધાભાઈ ચૌહાણ નામનો આરોપી ફરાર થઈ ગયો હતો. આ બનાવના 18 વર્ષ બાદ રાજકોટ પેરોલ ફર્લો સ્કોડના પી.આ. ભાર્ગવસિંહ ઝણકાટ અને પી.એસ.આઈ. જે.જી. તેરૈયા સહિતના સ્ટાફે આરોપી ગોંડલમાં હોવાની બાતમીના આધારે તેને ઝડપી લઈ રાજકોટ લાવી ભક્તિનગર પોલીસને સોંપ્યો હતો. ભક્તિનગર પોલીસે તેની વિશેષ પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપી શાંતીલાલ ઉર્ફે જીગર બોધાભાઈ ચૌહાણ (ઉવ 40) અગાઉ રાજકોટમાં રહેતો હતો અને યુવાન વયે ગુનો આચર્યો હતો. જે હવે આધેડ વયની ઉંમરમાં પકડાયો છે. આરોપી શાંતીલાલ ઉર્ફે શાંતીયો રાજકોટમાં ગુનો આચરી ફરાર થઈ ગયા બાદ અલગ-અલગ સ્થળે ગયો હતો. જેમાં સુરત ગયા બાદ ત્યાં લગ્ન કરી લીધા હતા. પરંતુ થોડા વર્ષો બાદ તેના છુટાછેડા થઈ ગયા હતા. બાદમાં તે ગોંડલ રહેવા આવી ગયો હતો. હાલ તે માતા સાથે રહી મજુરી કામ કરતો હતો. પેરોલ ફર્લો સ્કોડના પી.આઈ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, પીએસઆઈ જે.જી. તેરેયા તથા એ.એસ.આઇ ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા. રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા તથા ડ્રાઈવર દોલતસિંહ રાઠોડ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
