બન્ને મઢડા દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
જસદણ તાલુકાના બે યુવકો જ્યારે મઢડા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે જૂનાગઢ-વંથલી બાયપાસ પાસે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં જસદણના આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને પગલે સમગ્ર જસદણ પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
બનાવની જાણવા મળતી વધુ પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના વડલાવાડી વિસ્તારમાં રહેતા તુષાર મુકેશભાઈ મૈસુરિયા(ઉ.વ.22) અને સુમિત કટારીયા મઢડા તરફથી બાઈક પર સવાર થઈ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જૂનાગઢ-વંથલી બાયપાસ માર્ગ પર પુરપાટ ઝડપે આવતા ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં તુષાર મુકેશભાઈ મૈસુરિયાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે બાઈક પર સવાર અન્ય યુવક સુમિત કટારીયાને પણ ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જસદણના આશાસ્પદ યુવક તુષાર મૈસુરિયાના અકાળે અવસાનના સમાચાર વાયુવેગે જસદણ પંથકમાં ફેલાતા તેના મિત્ર વર્તુળ અને પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો.
