બેકાબૂ કાર બાઇકને ટકકર મારી ટ્રેકટરમાં ઘુસી ગઇ , કારનો ચાલક મુંબઇનો વતની : ઘટનાના સીસીટીવી વાયરલ
ઉના-ભાવનગર હાઈવે પર બપોરે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. નાઠેજ ગામ પાસે પૂરપાટ ઝડપે આવતી મહારાષ્ટ્ર પાસિંગની કારે એક બાઈક અને બે ટ્રેક્ટરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર 46 વર્ષીય ખેતમજૂરનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે.
અકસ્માતના CCTV ફૂટેજમાં કાર ચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. ફૂટેજમાં જોવા મળે છે કે કાર એટલી પૂરપાટ ઝડપે હતી કે બાઈકને ટક્કર માર્યા બાદ ધીરુભાઈ નીચે પડી ગયા હતા, પરંતુ તેમનું બાઈક ચાલક વગર જ રસ્તા પર આગળ જતું દેખાયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્ર પાસિંગની કાર નંબર MH 47 AB 8268 ઉનાથી ભાવનગર તરફ જઈ રહી હતી. નાઠેજ ગામ પાસે આવેલી રજવાડું હોટલ અને હનુમાન દાદાના મંદિર નજીક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
કારે પહેલા એક ચાલતા ટ્રેક્ટરને ટક્કર મારી હતી, જેના કારણે ટ્રેક્ટરનું આગળનું ટાયર પણ અલગ થઈ ગયું હતું. ત્યારબાદ કારે બાઈક સવાર ધીરુભાઈ પરમારને જોરદાર ટક્કર મારી, જેના કારણે તેઓ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. અકસ્માત સર્જ્યા બાદ પણ કાર ઉભી રહી નહોતી અને હોટલ પાસે ઉભેલા અન્ય એક ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતનો ભોગ બનનાર ધીરુભાઈ માંડણભાઈ પરમાર (ઉ.વ. 46), જેઓ ગીર ગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામના વતની હતા. તેઓ ખેતમજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે તેઓ ઉનામાં ખરીદી કરવા આવ્યા હતા અને પરત ઘરે જતી વખતે કાળનો પંજો ત્રાટક્યો હતો.
ધીરુભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમણે દમ તોડ્યો હતો. તેમના પરિવારમાં બે દીકરીઓ અને એક દીકરો છે. પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર કારચાલકનું નામ ગણેશ કુમાર છે. તે મૂળ કર્ણાટકના સાઉથ બેંગ્લોરનો વતની છે અને હાલ મુંબઈમાં રહે છે. ગણેશ કુમાર કેસ્ટ્રોલ લ્યુબ્રીકેટસ કંપનીમાં નોકરી કરે છે. ઘટનાસ્થળે પહોંચી કાર ચાલક ગણેશ કુમારની અટકાયત કરી છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
