વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી રાજસ્થાન જઈ રહેલી સાઈદર્શન ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
સુરતથી રાજસ્થાન જઈ રહેલી બસ જ્યારે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આણંદના બોરીયાવી નજીક પહોંચી ત્યારે વહેલી સવારે ટ્રક સાથે અકસ્માત થયો હતો. બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. અચાનક જ મોટા ધડાકા સાથે બસ ટ્રક સાથે અથડાતાં જ મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. ઊંઘમાંથી જાગેલા મુસાફરો ભારે ગભરાટ અને ભયના માહોલમાં મુકાઈ ગયા હતા.
આ બનાવ અંગે માહિતી મળતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂૂ કરી હતી. લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. કેટલાકને માથા, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમાં રજનીકાંતભાઈની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જીતેન્દ્ર ઝાલાને હાથમાં ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
નડિયાદ સિવિલ હોસ્પિટલના છખઘએ જણાવ્યું કે, સુરત થી નાથદ્વારા જતી લક્ઝરી બસનો અકસ્માત થયો છે. છ પેશન્ટને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી એક પેશન્ટને મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. બીજા પાંચમાંથી બેને વડોદરા રિફર કરવામાં આવ્યા હતા, એક પેશન્ટને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. એક પેશન્ટ નડિયાદ સિવિલમાં દાખલ છે અને અન્ય એક પેશન્ટને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે.
સુરતના રહેવાસી ઈજાગ્રસ્ત ધનેશ જાદવે જણાવ્યું કે, તેઓ સુરતથી બસમાં બેઠા હતા અને વહેલી સવારે અચાનક જોરદાર ધડાકો થયો હતો. બસમાં સવાર તમામ લોકો ઊંઘમાં હતા તે સમયે જ આ દુર્ઘટના ઘટી હતી અને ચારેય તરફ બૂમાબૂમ થઈ ગઈ હતી.
આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે જેમાં સાબરકાંઠાના એક યુવકનું પણ મોત થયું છે. મૂળ સાબરકાંઠાના તલોદના બડોદરા ગામના વતની જીતેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા પોતાની સાસરી સુરત ખાતે ખબરઅંતર પૂછવા અર્થે ગયા હતા. છેલ્લા સાત-આઠ દિવસથી સુરત રોકાયા બાદ ગત રાત્રે તેઓ પોતાના વતન પરત ફરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હતો. ઘરના મોભીનું અચાનક નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ગીરગઢડાના બેડીયા નજીક ટ્રક-એસટી બસ વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત
અકસ્માતમાં 14 લોકો ઘવાયા, ઉના-ગીર ગઢડા રોડ પર ટ્રાફીક જામ: ઓવરસ્પીડને કારણે અકસ્માત થયો?
ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામ નજીક બુધવારે બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી વિગતો મુજબ બેડીયા ગામ પાસેથી પસાર થઈ રહેલી પેસેન્જર બસ અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બંને વાહનોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને બેડીયા ગામના સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ રાજુભાઈ સામતભાઈ રાઠોડ (ડ્રાઈવર) અને રવિભાઈ જીવાભાઈ પરમાર તરીકે થઈ છે.
બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ગીર ગઢડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિકને નિયંત્રિત કરવાની સાથે અકસ્માત અંગેની પ્રાથમિક તપાસ શરૂૂ કરી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત બંને વાહનોને રસ્તા પરથી હટાવી વાહન વ્યવહાર પુન: શરૂૂ કરાવ્યો હતો. આ અકસ્માત ઓવર સ્પીડ કે ઓવરટેકને કારણે થયો છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે થોડા સમય માટે ઉના-ગીર ગઢડા માર્ગ પર વાહન વ્યવહારને અસર થઈ હતી. સમગ્ર પંથકમાં આ અકસ્માતને લઈને શોકનો માહોલ છવાયો છે.
