ઈસ્ત્રી કામ કરી દુકાનેથી ઘરે પરત ફરતા યુવાન અને ફાયર સેફ્ટીનું કામ જોવા ગયેલા બંને ભાગીદારને સારવારમાં ખસેડાયા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં એરપોર્ટ રોડ પર આવેલા છોટુનગર પાસે બાઈક અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં દુકાનેથી ઘરે પરત ફરતા ઇસ્ત્રી કામ કરતા યુવક અને ફાયર સેફ્ટીનું કામ જોવા જતા બંને ભાગીદારોને ઇજા પહોંચી હતી. ત્રણેય યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં એરપોર્ટ રોડ પર આવેલા છોટુનગર પાસે ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બાઈક અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જે અકસ્માતમાં બાઈક ચાલક રેશમબહાદુર નરબહાદુર થાપા (ઉ.વ.40, રહે. અમરજીતનગર), સ્કૂટર સવાર હર્ષ સુભાષભાઈ ગોરાણીયા (ઉ.વ.32, રહે. શીતલ પાર્ક) અને બજરંગવાડીના વિરલ મહેશભાઈ પરમાર (ઉ.વ.25)ને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં રેશમબહાદુર થાપા પાંચ ભાઈ બે બહેનમાં વચ્ચેટ અને તેને સંતાનમાં ત્રણ પુત્ર છે. રેશમબહાદુર થાપા નિર્મલા રોડ પર ઇસ્ત્રી કામ કરી ઘરે પરત ફરતો હતો જ્યારે હર્ષ ગોરાણીયા અને વિરલ પરમાર ભાગીદારીમાં ફાયર સેફટીનું કામ કરે છે. જે બંને કામ જોવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
