રાજકોટ શહેરના વાવડી ગામે રહેતી 20 વર્ષની ત્યકતાએ ગઇકાલે સાંજના સમયે પોતાના માતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મહિલાએ જણાવ્યુ હતુ કે, તેમના છ મહિના પહેલા છુટાછેડા થયા બાદ તેમના પતિ પાસેથી ભરણપોષણ અને છૂટાછેડાના 13 લાખ રૂપિયા આવ્યા હતા. જે તેને માતાને સાચવવા આપ્યા હતા. જે પૈસા પરત ન આપતા તેમણે આ પગલુ ભરી લીધુ હતું.
વધુ વિગતો મુજબ વાવડી ગામે રહેતી વૈશાલી વીનોદભાઇ ગોહીલ નામની 20 વર્ષની યુવતીએ ગઇકાલે સાંજના સમયે તેમના માતાના ઘરે કોઠારિયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડના કવાર્ટરે હતી ત્યારે ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે યુવતીનુ નિવેદન નોંધવા તજવીજ શરૂ કરી છે.
આ ઘટનામાં યુવતીએ આક્ષેપ સાથે જણાવ્યુ હતુ કે, તેમના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. તેમને સંતાનમાં એક દીકરો છે.. ત્યાર બાદ પતિ સાથે અણબનાવ બનતા છ મહિના પહેલા છૂટાછેડા થઇ ગયા હતા અને આ છૂટાછેડા અને ભરણપોષણના કેસમાં આવેલા રૂા..13.75 લાખ જેતે સમયે માતાને સાચવવા આપ્યા હતા. ત્યારબાદ થોડા દિવસ પહેલા હવે આ પૈસાની જરૂર પડતા માતા પાસે વૈશાલીએ પૈસા માંગ્યા હતા. ત્યારે તેમણે પૈસા આપવાની ના પાડી દેતા વૈશાલીએ આ પગલુ ભરી લીધુ હતું.
