આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાની શરૂૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા અને ત્યારબાદ આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં શરૂૂ થઈ છે. યાત્રાના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોમાં આ યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક ખેડૂતોએ યાત્રામાં જોડાઈને પોતાના હક્ક અને અધિકાર માટે લડત આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ દરમિયાન પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ખેડૂતો પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે. 54 લાખ ખેડૂતોના પરિવારો આજે પીડાઈ રહ્યા છે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, પૂરતી વીજળી નથી મળતી, ખેડૂતોના ઉભા પાકમાં વીજળીના થાંભલાઓ નાંખવામાં આવે છે અને તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે, આ સિવાય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર અને બિયારણ મળતું નથી અને પાક વીમા યોજનાનો પણ લાભ મળતો નથી. તો આવા ખેડૂતોના અનેક મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી હંમેશા મજબૂતાઈથી અવાજ ઉઠાવતી રહી છે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભગવાન ચંદ્રએ પણ પોતાના શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીંયા આવીને તપ કર્યું હતું તો એ જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ તેમની તકલીફોમાંથી મુક્ત કરવા માટે સોમનાથ દાદાના દર્શન કરીને એક તપ કરવા જઈ રહ્યા છીએ. ખેડૂતો માટે અમે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરવા માટે તૈયાર છીએ. 108 દિવસના જેલવાસ બાદ હું સૌ પ્રથમ વખત ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું, તેનો મને ખૂબ જ આનંદ છે.
