ગુજરાત જેવા IAS ઓફિસરો તીવ્ર તંગી ભોગવતા રાજ્યમાં ગુજરાત કેડરના IAS ઓફિસરોની કુલ સંખ્યા 313થી વધારીને 343 કરવા અંગે ગુજરાત સરકારે ભારત સરકારને મોકલેલી એક દરખાસ્તના અનુસંધાને હવે, ભારત સરકારે ગુજરાત કેડરના ભારતીય વહીવટી સેવા-IAS અધિકારીઓની કુલ સંખ્યા 313થી વધારીને 328 કરવાનો નિર્ણય કરતું નોટિફિકેશન જાહેર કર્યું છે અર્થાત ગુજરાત કેડરમાં IAS ઓફિસરોની સંખ્યામાં 15નો વધારો કરવામાં આવ્યો છે.
ભારત સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ-DoPT દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર, આ સુધારો અખિલ ભારતીય સેવા અધિનિયમ, 1951 હેઠળ જારી કરવામાં આવ્યો છે. તે ગુજરાત સરકાર સાથે પરામર્શ કરીને ભારતીય વહીવટી સેવા (કેડર સ્ટ્રેન્થનું ફિક્સેશન) રેગ્યુલેશન્સ, 1955માં ફેરફાર કરે છે.
કેન્દ્રના આ નોટિફિરકેશન મુજબ, ગુજરાત સરકાર હેઠળ કુલ સિનિયર ઓફિસર્સની જગ્યા 178 નક્કી કરવામાં આવી છે. જેમાં, મુખ્ય સચિવ (1), અધિક મુખ્ય સચિવ (5), મુખ્ય સચિવો (9), સરકારના સચિવો (17), કલેક્ટરો (33), જિલ્લા વિકાસ અધિકારીઓ (33) અને મ્યુનિસિપલ કમિશનરો જેવા મુખ્ય પદોનો સમાવેશ થાય છે.
જ્યારે, સેન્ટ્રલ ડેપ્યુટેશન રિઝર્વ-CDR માટે 71 અધિકારીઓ (વરિષ્ઠ ફરજ પોસ્ટ્સના 40 ટકાથી વધુ નહીં) એમ નક્કી કરાયું છે. સ્ટેટ ડેપ્યુટેશન રિઝર્વ-SDR માટે 44 પોસ્ટ્સ અને ટ્રેનિંગ રિઝર્વ છ પોસ્ટ્સ જાહેર કરાઈ છે. એવી જ રીતે, લીવ રિઝર્વ અને જુનિયર પોસ્ટ્સ રિઝર્વ 29 રહેશે. IAS (ભરતી) નિયમો, 1954 હેઠળ 99 પોસ્ટ્સ પ્રમોશન દ્વારા ભરાશે. જ્યારે 229 પોસ્ટ્સ સીધી ભરતી દ્વારા ભરવામાં આવશે. 2024-25 સુધી, ગુજરાત IAS કેડરની મંજૂર સંખ્યા 313 અધિકારીઓ હતી પરંતુ રાજ્ય નોંધપાત્ર ખાલી જગ્યાઓ સાથે કાર્યરત હતું,
ગુજરાતમાં લગભગ 56 IAS પદો ખાલી હતા અને 14 અધિકારીઓ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર હતા. રાજ્ય સરકારે 30 નવા IAS પદો ઉમેરીને મંજૂર કેડર સ્ટ્રેન્થ વધારીને 343 પદો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ ભારત સરકારે માત્ર 15 નવી જગ્યાઓ મંજૂર કરી છે.
