નિષ્ણાત ડોકટરોની નિમણૂક નહીં થાય તો ઉગ્ર આંદોલનની તૈયારી
રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારની જનતા માટે આશીર્વાદ સમાન ગણાતી સિવિલ હોસ્પિટલ આજે પોતે જ ‘બીમાર’ હાલતમાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની અછત અને કરોડોના ખર્ચે બનેલા સાધનો ધૂળ ખાઈ રહ્યા હોવાના ગંભીર મુદ્દે આજે આમ આદમી પાર્ટી, ધોરાજી દ્વારા માનનીય મુખ્યમંત્રીને સંબોધીને એક કડક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
આપ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન અને રેડિયોલોજિસ્ટ જેવા મહત્વના નિષ્ણાત ડોક્ટરોની કાયમી નિમણૂક કરવામાં આવી નથી. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં લૂંટાવું પડે છે અથવા રાજકોટ-જૂનાગઢ સુધી લાંબા થવું પડે છે. હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન હોવા છતાં ઓપરેશનો શરૂૂ કરવામાં આવતા નથી.
દાતાઓ સાધનો આપવા તૈયાર હોવા છતાં તંત્રની ઉદાસીનતાને કારણે ગરીબ દર્દીઓ હેરાન થઈ રહ્યા છે.
કરોડોના ખર્ચે તૈયાર થયેલું બાળકોનું આઈસીયુ માત્ર સ્ટાફના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે. આ માસૂમ બાળકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે. હોસ્પિટલના નવા બિલ્ડિંગનું રિનોવેશન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ પૂરતા મેડિકલ અને નર્સિંગ સ્ટાફ વગર તે માત્ર ‘શોભાના ગાંઠિયા’ સમાન સાબિત થઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યકર્મ કરી ઊંઘતા તંત્ર અને સ્થાનિક નેતાઓને જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે. જનતાના આરોગ્યના પ્રશ્ને આમ આદમી પાર્ટી ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની રહેશે.
