ગેરકાયદે બાંધકામ અંગે કરેલી ફરિયાદનો ખાર રાખી સાત શખ્સોએ કુહાડીના ઘા ઝીંકી વેતરી નાખ્યો, બે શખ્સો ઝડપાયા, પાંચની શોધખોળ
વિંછીયામાં કોળી યૂવાનની હત્યાના વિરોધમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને ગામમાં સજજડ બંધ પાળવામાં આવ્યો હતો
આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં સરઘસ નહીં નિકળે ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો ઈન્કાર
જસદણના વિછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબીંગની અરજી કરનાર કોળી યુવાનની સાત શખ્સોએ કુહાડી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. આ બનાવમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ બે શખ્સોને ગ્રામ્ય એલસીબીએ ઝડપી લીધા છે. જ્યારે અન્યની શોધખોળ શરૂ કરાઈ છે. હત્યા બાદ સમગ્ર ગામમાં ભારે રોષ વ્યાપી જતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ વિછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબિંગ ની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર જસદણ પંથકના 7 જેટલા લોકોએ કુહાડી, ધોકા સહિતના વડે ઘાતકી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ઘનશ્યામ રાજપરાને પહેલા વીંછિયા પંથક અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો. મૃતકના પરિજનો દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માંગણી કરવામાં આવી હતી. બનાવના પગલે ગામમાં તંગદીલી છવાઈ હતી. આ બનાવમાં થોરિયાળી ગામના લક્ષ્મણભાઈ શિવાભાઈ રાજપરાની ફરિયાદના આધારે પોલીસે શેખાભાઈ ગભરુભાઈ સાંબડ અને તેની સાથેના અજાણ્યા એક કુલ સાત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. જ્યારે અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ બનાવ અંગે થોરિયાળી ગામના લખમણભાઈ શિવાભાઈ રાજપરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના નાનાભાઈ ઘનશ્યામની શેખાભાઈ ગભરુભાઈ શાંભળ સહિતના શખ્સોએ હત્યા કરી હોય પોતે મોઢુકા ગામે કામ અર્થે ગયા ત્યારે તેમના પિતરાઈભાઈ રઘુભાઈનો ફોન આવ્યો હતો કે, મોટાભાઈ ઘનશ્યામ ઉપર હુમલો થયો છે જેથી તેઓ તાત્કાલીક ત્યાં પહોંચ્યા અને પ્રથમ વિછિયા અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડ્યા જ્યાં તેમનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ભાઈને બનાવ બાબતે પુછતા જણાવ્યું હતુ ંકે,, બોટાદ રોડ ઉપર ભરતભાઈના ગેરેજ ખાતે આઈસર વાહન રિપેરીંગનું કામ કરવા ગયા ત્યારે શેખા સાંભળ અને તેની સાથે આવેલા શખ્સોએ કુહાડી અને ધોકા વડે તેનાવડે હુમલો કર્યો હતો. આ હુમલા વખતે ભરતભાઈએ દેકારો કરતા લોકો દોડી આવ્યા હતાં અને સફેદ કલરની કારમાં બેસી હત્યારાઓ ફરાર થઈ ગયા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાએ ગેરકાયદે બાંધકામ અંગે અરજી કરી હતી. લેન્ડગ્રેબિંગ અરજીની ખાર રાખીને 7 લોકોએ કુહાડી, ધોકા સહિતના હથિયારોથી ઘનશ્યામ રાજપરા પર હુમલો કરીને હત્યા કરી હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
ઘનશ્યામ રાજપરાનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સહિતનો સ્ટાફ વિછિયા ખાતે દોડી ગયો હતો આ બનાવ બાદ હાલમાં સમગ્ર ગામમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. લેન્ડગ્રીબેનીંગની અરજીનો ખાર રાખીને સાત શખ્સોએ ઘનશ્યામને મોતને ઘાટ ઉતારી દીધાના બનાવથી ભારે ચકચાર જાગી છે. વિછિયાના થોરિયાળી ગામે કોળી યુવાનની હત્યા બાદ પરિવારજનોએ લાશ સંભાળવાનો ઈનકાર કરી દીધો હતો જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય અને જાહેરમાં સરઘસ નહીં નિકળે ત્યાં સુધી લાશની અંતિમવિધિ કરવામાં નહીં આવે કોળી પરિવાર દ્વારા મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર કરતા પોલીસે પણ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા હતાં. જો કે, પોલીસને હજુ સુધી બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે અન્યની પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક બે ભાઈ અને બે બહેનમાં મોટો હતો. જ્યારે તેને સંતાનામં એક પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
ઘનશ્યામના મોતથી પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોળી સમાજના આગેવાનો ઉમટી પડતા ત્યાં પણ ભારે તંગદીલી જેવો માહોલ જોવા મળ્યો હતો.
હત્યાના પગલે વીંછિયામાં આક્રોશપૂર્ણ બંધ, લોકોમાં રોષ
વિછિયાના થોરિયાળી ગામે રહેતા ઘનશ્યામ રાજપરાએ ગેરકાયદેસર બાંધકામ અંગેની કરેલી અરજી બાદ જેના વિરુદ્ધ અરજી કરાઈ હોય તે કાઠી દરબાર શખ્સોએ કોળી યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી. આ બનાવને પગલે સમગ્ર વિછિયા પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાએ આ મામલે વિછિયાબંધનું એલાન આપ્યું હતું અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હત્યાના બનાવ બાદ આક્રોશપૂર્ણ વિછિયામાં વેપારીઓએ બંધ પાડ્યું હતું અને આ હત્યાના બનાવનો ભારે વિરોદ્ધ સાથે રોષ પૂર્વક રજૂઆત પણ કરી હતી. વિછિયાબંધના એલાનના પગલે તકેદારીના ભાગરૂપે સમગ્ર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
ગૌચરની જમીનમાં 10 વર્ષથી ચાલતા વિવાદમાં અંતે લોહી રેડાયુ
જસદણના વિછિયા તાલુકાના થોરિયાળી ગામે રહેતા ઘનશ્યામ રાજપરા નામના કોળી યુવાનની હત્યા કરવામાં આવી હોય જેમાં સાત શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા 10 વર્ષથી ગૌચરની જમીન બાબતે ચાલતા આ વિવાદનો કરુણ અંજામ આવ્યો હતો અને ગૌચરની જમીન બાબતે અંતે લોહી રેડાયું હતું. આ મામલે પોલીસે જણાવ્યું કે, ગૌચરની જમીન બાબતે મૃતક ઘનશ્યામ અને આરોપી પક્ષે સામાસામી એકબીજા પર અરજી કરી હોય જે બાબતે પોલીસે અગાઉ ગુનો પણ દાખલ કર્યો હતો. થોરિયાળી ગામમાં બનેલા આ બનાવમાં અગાઉ જ્યારે ઘનશ્યામ વિરુદ્ધ લેન્ડગ્રેબીંગની અરજી કરવામાં આવી ત્યારે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઘનશ્યામે રાજકોટ કલેક્ટરમાં શેખાભાઈ ગભરુભાઈ સાંબડ અને તેના સહિતનાઓ વિરુદ્ધ લેન્ડગ્રેબીંગની અરજી કરી હોય જે બાબતનો છેલ્લા 10 વર્ષથી ચાલતો વિવાદ ચરમસીમાએ પહોંચતા અંતે તેમાં ઘનશ્યામનો ભોગ લેવાયો હતો. ઘનશ્યામ પોતે ટ્રક રિપેરીંગનું કામ કરતો હતો તેમજ ખેતી કામ કરતો હતો ગૌચરની જમીનમાં બનાવેલા મકાન પાડવા માટે ઘનશ્યામે કરેલી અરજી તેના મોતનું નિમિત બની હતી.