નાના મવા રોડ પર સમૃધ્ધીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં સાસરૂૂ ધરાવતી નવોઢાએ રૈયાધારમાં માવતરના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આઠ મહિના પહેલા જ તેણીના લગ્ન થયા હતાં.
વધુ વિગતો મુજબ,સમૃધ્ધીનગર આવાસ ક્વાર્ટર નં. 48/9માં રહેતી દિવ્યાબેન રણજીતભાઇ સોલંકી (ઉ.વ.23) ગઇકાલે રૈયાધરા બાપા સિતારામ ગૌશાળા પાછળ સુખદેવ ટાઉનશીપ પાછળ રહેતાં પોતાના માવતરના ઘરે હતી ત્યારે દૂપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર દિવ્યાબેનના લગ્ન આઠ મહિના પહેલા જ થયા હતાં. તેણીના પતિ રણજીતભાઇ ઓટો ગેરેજ ચલાવે છે.
ઉતરાયણનો તહેવાર કરવા તેણી માવતરે આવ્યા બાદ અહિ જ રોકાઇ હતી. ગઇકાલે પિતા, ભાઇ તેના કામે હતાં અને માતા નીરૂૂબેન પણ કામ કરવા ગયા હોઇ ત્યાં હતાં. ત્યાંથી તે દિકરીને ફોન જોડતાં હતાં પણ તે રિસીવ કરતી ન હોઇ તેમણે પોતાના ભાઇ નજીકમાં રહેતાં હોઇ તપાસ કરવાનું કહેતાં મામા ઘરે પહોંચ્યા ત્યારે ભાણેજ લટકતી હાલતમાં મળી હતી. આપઘાતનું કારણ જાણવા યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.
