બીડી સળગાવવા લાઈટર માંગવા બાબતે યુવકને પાઇપ ઝીંકી હાથ ભાંગી નાખ્યો

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ ટ્રેક્ટર ચોક નજીક મામૂલી બાબતમાં થયેલી તકરારે હિંસક રૂૂપ ધારણ કર્યું હતું. કુબલિયાપરા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા 19 વર્ષીય…

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ ટ્રેક્ટર ચોક નજીક મામૂલી બાબતમાં થયેલી તકરારે હિંસક રૂૂપ ધારણ કર્યું હતું. કુબલિયાપરા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા 19 વર્ષીય સાવનભાઈ જીતુભાઈ રાઠોડ નામના યુવક પર બીડી સળગાવવા માટે લાયટર માંગવાની ના પાડવા બાબતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ભવાનીનગરમાં રહેતા વાહીદ ઈસ્માઈલભાઈ નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની વિગત અનુસાર, ગત તારીખ 4 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરના આશરે બે વાગ્યાના સુમારે સાવનભાઈ પોતાના ઘરેથી રામનાથપરા મહાદેવ મંદિર તરફ ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટર ચોક પાસે આવેલી પાનની કેબિન પર બેઠેલા વાહીદ ઈસ્માઈલભાઈ પાસે તેમણે બીડી સળગાવવા માટે લાયટર માંગ્યું હતું. આ બાબતે વાહીદે લાયટર આપવાની ચોખ્ખી ના પાડી સાવનભાઈ સાથે ગાળાગાળી અને બોલાચાલી શરૂૂ કરી દીધી હતી.

બોલાચાલી વધતાં ઉશ્કેરાયેલા વાહીદે સાવનભાઈને પકડીને ઢીકાપાટાનો માર માર્યો હતો અને ત્યારબાદ પોતાની કેબિનમાંથી લોખંડનો પાઇપ કાઢી હુમલો કર્યો હતો. સાવનભાઈએ બચાવ માટે ડાબો હાથ આડો ધરતાં પાઇપનો સણસણતો ઘા તેમના કાંડા પર વાગ્યો હતો.આ ઘટના બાદ સ્થાનિક લોકો એકઠા થઈ જતાં યુવકને વધુ મારમાંથી છોડાવવામાં આવ્યો હતો.

યુવકે પ્રાથમિક સારવાર લીધા બાદ સતત દુખાવો રહેતાં તબીબી તપાસ કરાવતા ડાબા હાથમાં ફ્રેક્ચર હોવાનું ખૂલ્યું હતું, જેથી ફેક્ચરનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ બનાવ બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન માટેની વાટાઘાટો ચાલી રહી હોવાથી પોલીસ ફરિયાદ કરવામાં વિલંબ થયો હતો. પરંતુ અંતે સામે પક્ષે સમાધાન કરવાની સ્પષ્ટ ના પાડી દેતાં સાવનભાઈએ થોરાળા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *