મોરબી ના ટીંબડી પાટિયા નજીક ત્રિપલ સવારી બાઈક અને ટ્રક ટ્રેઇલર અથડાયા હતા જે અકસ્માતમાં બાઈક ચાલક સહીત બેને ઈજા પહોંચી હતી તો બાઈકમાં બેસેલ આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના ત્રાજપર પાછળ નીલકંઠ સોસાયટીમાં રહેતા ભગવાનજીભાઈ ખોડાભાઈ ધંધાણીયાએ ટ્રક ટ્રેઇલર જીજે 39 ટી 1750 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પિતા ખોડાભાઈ કાનજીભાઈ ધંધાણીયા (ઉ.વ.52) તેમજ મનોજભાઈ રાંદલપરા અને સંજયભાઈ દેગામાં ત્રણેય મોટરસાયકલ જીજે 13 પીપી 6013 ચલાવીને મોરબી આવતા હતા બાઈક મનોજભાઈ ચલાવતા હતા જેની પાછળ પિતાજી અને તેની પાછળ સંજયભાઈ બેઠા હતા ટીંબડી પાટિયા પાસે પહોંચતા ટ્રક ટ્રેઇલર ચાલકે મોટરસાયકલને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો.
જે અકસ્માતમાં મનોજભાઈને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને સંજયભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી તેમજ ફરિયાદીના પિતાજી ખોડાભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
