ઘંટેશ્ર્વરમાં કારનું ભાડું ઉઘરાવવા ગયેલા યુવાન પર છરી વડે હુમલો

શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા 150 ફૂટ રિંગ રોડ પાસે કારના ભાડાના પૈસાની ઉઘરાણી કરવા ગયેલા 21 વર્ષીય પિન્ટુભાઈ ઉર્ફે કાનો ઘનશ્યામભાઈ પરમાર નામના યુવક પર…

શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા 150 ફૂટ રિંગ રોડ પાસે કારના ભાડાના પૈસાની ઉઘરાણી કરવા ગયેલા 21 વર્ષીય પિન્ટુભાઈ ઉર્ફે કાનો ઘનશ્યામભાઈ પરમાર નામના યુવક પર છરી વડે હુમલો થયાની ઘટના સામે આવી છે. ફરિયાદી પિન્ટુભાઈ ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે અને તેણે તેના મિત્ર મેરામભાઈ પરેશાને પોતાની બોલેરો અને સ્વીફ્ટ ગાડીઓ આશરે ત્રણ મહિના પહેલા ભાડે આપી હતી. બોલેરોનું માસિક ભાડું રૂૂ. 40,000 અને સ્વીફ્ટનું ભાડું રૂૂ. 45,000 નક્કી કરવામાં આવ્યું હતું. છેલ્લા બે મહિનાથી ભાડું ન ચૂકવાયું હોવાથી ફરિયાદી અવારનવાર ફોન પર ઉઘરાણી કરતા હતા. ગત 14 એપ્રિલ 2026ના રોજ સવારે મેરામભાઈએ ફોન કરીને ભાડાના પૈસા લઈ જવા માટે પિન્ટુભાઈને પોતાના ઘરે બોલાવ્યા હતા.

ફરિયાદી જ્યારે સવારે સવા નવ વાગ્યાની આસપાસ આરોપીના ઘરે પહોંચ્યા, ત્યારે આરોપીએ હાલમાં પૈસા નથી અને પછી આપીશ તેમ કહી ઝઘડો શરૂૂ કર્યો હતો. પિન્ટુભાઈએ પૈસાની જરૂૂરિયાત હોવાનું જણાવતા જ આરોપી મેરામભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો. ફરિયાદી જ્યારે સીડી ઉતરીને નીચે જઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ ઘરમાંથી છરી લાવી પિન્ટુભાઈના વાંસાના ભાગે ઝીંકી દીધી હતી. આ હુમલા બાદ આરોપીએ ધમકી આપી હતી કે જો હવે ફરી ક્યારેય ભાડાના પૈસા માંગીશ તો જાનથી મારી નાખીશ. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક મોરબી રોડ પર આવેલી માધવ ક્લિનિક ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને વાંસાના ભાગે પાંચ ટાંકા આવ્યા છે.

આ મામલે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં આરોપી મેરામભાઈ પરેશા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 352, 351(3) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ પણ કાર્યવાહી કરી છે. હાલમાં હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ સુરેન્દ્રસિંહ ગોહીલ દ્વારા આ કેસની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને પગલે શિવનગર અને ઘંટેશ્વર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પિન્ટુભાઈએ પોતાની ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આરોપીએ વિશ્વાસમાં લઈને ઘરે બોલાવ્યા બાદ આ હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *