જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલી જી આર વી સ્પીનિંગ મિલ માં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની અરવિંદભાઈ મગનભાઈ વાસુરે નામના 26 વર્ષના આદિવાસી યુવાને પોતાના રૂૂમમાં પંખા ના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે તેના મોટાભાઈ રાહુલ મગનભાઈ વાસુરે એ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ સ્ટેશન ની ટુકડી બનાવના સ્થળે તેમજ ધ્રોળની સરકારી હોસ્પિટલે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાનનું લાંબા સમયથી સગપણ થતું ન હોવાથી તેને મનોમન લાગી આવ્યું હતું, અને પોતાની જિંદગીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે.