ચોટીલાના રેશમીયા ગામનો યુવાન મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે જસદણના કમળાપુર નજીક બાઇક અકસ્માત નડતા તેનું ગંભીર ઇજા થતા સારવારમાં મોત નીપજયું હતું.
જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના રેશમીયા ગામે રહેતો ઘનશ્યામ વિનુભાઇ ચોરી (ઉ.વ.21) નામનો યુવાન ગત તા.27ના બપોરેે પોતાનું બાઇક લઇ ગઢડીયા ગામે મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે કમળાપુર નજીક અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.
પરંતુ સારવાર કારગત ન નીવડતા આજે તેનું હોસ્પીટલના બિછાને મોત નીપજયું હતું.આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભાડલા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક ઘનશ્યામ બે ભાઇ, બે બહેનમાં નાનો અને અપરિણીત હતો. યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
