રાજકોટના ભાવનગર રોડ પર આવેલા રાજસમઢીયાડા ગામમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં માત્ર 20 વર્ષની નાની ઉંમરે ઋત્વિક ગિરધરભાઈ દેત્રોજા નામના યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે.
મળતી માહિતી મુજબ, ઋત્વિક દેત્રોજા પોતાના ઘરે રહીને જ પડધરીના એક યુવાન સાથે ભાગીદારીમાં ઇમિટેશન જ્વેલરીનું કામ કરતો હતો.રાત્રિના સમયે તે પોતાના ઘરના ઉપરના માળે આવેલા રૂૂમમાં હતો, ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.ઘટનાની જાણ થતા જ પરિવારજનો તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
મૃતક ઋત્વિક વિશે જાણવા મળ્યું છે કે તે ત્રણ બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો.હજુ માંડ એક મહિના પહેલા જ તેની સગાઈ થઈ હતી. ઘરમાં લગ્ન અને નવા જીવનની તૈયારીઓ વચ્ચે અચાનક આ આઘાતજનક સમાચાર આવતા પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ સંકુલ ગુંજી ઉઠ્યું હતું. એક તરફ સગાઈની ખુશીઓ હતી અને બીજી તરફ આ કરુણ અંજામ આવતા અનેક સવાલો ઉભા થયા છે.
આ ઘટના અંગે હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે. યુવાને કયા કારણોસર આટલું આકરૂૂં પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. શું કોઈ આર્થિક ભીંસ હતી કે પછી અંગત માનસિક તાણ, તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે.
