પ્રેમસંબંધની શંકા, આપઘાત છે કે અકસ્માત? પોલીસે તપાસ શરૂ કરી
રાપર તાલુકાના પદમપર ગામે એક કરુણ ઘટના સામે આવી છે જેમાં ગામના અપરણિત યુવક અને પરિણીત મહિલાનું ટ્રેનની હડફેટે મોત નીપજ્યું છે. રાત્રે બનેલા બનાવ બાદ સ્થળ પર લોકો એકત્રિત થઇ ગયા હતા અને રેલ્વે પોલીસે પીએમ સહીત બનાવ અકસ્માતનું છે કે આપઘાતનું તેમજ કયા કારણોસર બનાવ બન્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ બુધવારે રાત્રે અઢી વાગ્યાના અરસામાં પદમપર ગામના રેલવે સ્ટેશનથી થોડે દૂર 21 વર્ષીય અરવિંદ કાનજી કોલી અને 32 વર્ષીય દયાબેન કિશનભાઈ કોલીનું માલગાડી ટ્રેનની હડફેટે મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર એકત્રિત થયા હતા અને 108 ને બોલાવી બન્નેને રાપર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.
જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ થતાં રેલ્વે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહોને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે સ્થાનિકેથી મળેલી વિગતો મુજબ મૃતક દયાબેન પરણીત હોવાનું તથા તેમને ત્રણ સંતાન હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટનાને કારણે પદમપર ગામ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે શોક અને ચર્ચા જોવા મળી છે.
આ બનાવ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. હાલ રેલ્વે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બન્નેના મોત અકસ્માત છે કે પછી આપઘાત છે તેમજ કેવા સંજોગોમાં બનાવ બન્યો છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. મૃતક યુવકના નાના ભાઈએ પણ અગાઉ બાદરગઢ ખાતે એક યુવતી જોડે સીમ વિસ્તારમાં આવેલ 66 કેવી વીજલાઈનના ટાવરમાં સજોડે આત્મહત્યા કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.અગાઉ નાના ભાઈ અને હવે મોટા ભાઈનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
એક જ ગામના યુવક અને મહિલાના એકસાથે મોતની ઘટના આસપાસના વિસ્તારમાં ચર્ચાસ્પદ બની હતી.મોતની જાણ થયા બાદ યુવક અને મહિલાના પરિવારજનો રાપર સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.જ્યાં પીએમ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી.
