રાજકોટ અને કોડીનારના કંટાળા ગામે ઝાડ ઉપરથી પટકાતા યુવાન અને આધેડના મોત થયા હતાં. રાજકોટના કાલાવડ રોડ પર જાંબુના ઝાડ ઉપર જાંબુ તોડવા ચડેલો નેપાળી યુવાન નીચે પટકાયો હતો અને તેનું મોત થયું હતું. જ્યારે કોડીનારના કંટાળા ગામે વડલાનું ઝાડ કાપવા આધેડનું પણ પડી જવાથી મોત થયું હતું.
આ બન્ને બનાવોની મળતી વિગતો મુજબ, રાજકોટનાં કાલાવડ રોડ પર અવધ રોડ પાસે રોયલ હોમ્સ સ્કવેર નામના એપાર્ટમેન્ટમાં રહેતાં નેપાળી યુવાન ભરત બહાદુર શાહી (ઉ.37) નામનો યુવાન પોતાના ઘર પાસે આવેલા જાંબુના ઝાડ ઉપર ચડી રાવણા જાંબુ તોડતો હતો ત્યારે અચાનક જ ડાળી તુટતાં તે નીચે પટકાયો હતો અને ગંભીર ઈજા થવાથી તેનું મોત થયું હતું. ભરત શાહી એપાર્ટમેન્ટમાં બગીચાની દેખરેખ રાખતો હતો અને ચોકીદારી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં કોડીનાર તાલુકાના કંટાળા ગામે રહેતાં લાખાભાઈ કુંભાભાઈ ભોળા (ઉ.55) નામના આહીર આધેડ પોતાના ઘર પાસે વડલાનું ઝાળ કાપતાં હતાં ત્યારે અકસ્માતે ઝાડ ઉપરથી નીચે પટકાયા હતાં તેમને પ્રથમ જૂનાગઢ અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. મૃતક લાખાભાઈ છ ભાઈ અને બે બહેનમાં ચોથા નંબરના હતાં અને ખેતી કામ કરતાં હતાં તેમને સંતાનમાં બે દીકરા હોવાનું જાણવા મળ્યું છે.
