ભાગીદારે બે કરોડની ઉઘરાણી માટે દબાણ કરતાં બે દિવસ પહેલા ઘર છોડયું
રાજકોટમાં રહેતા ફુવાના ઘરે આવી એપાર્ટમેન્ટના દસમાં માળેથી પડતું મૂકી દીધું
સોમનાથ વેરાવળમાં રહેતાં સોની વેપારીએ રાજકોટનાં રૈયા રોડ પર કૈલાસધારા પાર્ક પાસે આવેલ દશર્ર્ન સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં 10માં માળે રહેતાં ફુવાના ઘરના એપાર્ટમેન્ટમાંથી ઝંપલાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. વેરાવળના સોની વેપારીને તેના ભાગીદાર સાથે બે કરોડની ઉઘરાણી બાબતે ડખ્ખો થતાં વેપારી બે કરોડની ઉઘરાણી માટે દબાણ કરતો હોય બે દિવસ પૂર્વે સોની વેપારી ગુમ થયા બાદ રાજકોટ ફુવાના ઘરે આવ્યો હતો. તેના પિતા સહિતના પરિવારજનો તેને લેવા આવ્યા ત્યારે જ તેણે આ પગલું ભરીલેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટનાં રૈયા રોડ પર કૈલાસધારા પાર્ક પાસે દર્શન સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં 10માં માળે રહેતાં મનદીપભાઈ અરૂણભાઈ ચરાડવાના ઘરે આવેલા સોમનાથ વેરાવળના વતની સોની વેપારી મીત અંકીત માંડલીયાએ દર્શન સૃષ્ટિ એપાર્ટમેન્ટના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના મહિલા પોલીસ રેણુકાબેન ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ મામલે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું કે, વેરાવળમાં રહેતાં અને સોના-ચાંદીનું કામ કરતો મીત અંકીત માંડલીયા બે દિવસ પૂર્વે વેરાવળથી ગુમ થયો હતો. તેના ભાગીદાર ધાર્મિક હરેશ જોષી દ્વારા તેની પાસે ફ્રોડ અને વ્યાજના પૈસાની રૂા.2 કરોડની ઉઘરાણી બાબતે દબાણ કરતાં તે વેરાવળથી ઘર છોડી ભાગી ગયો હતો અને રાજકોટમાં રૈયા રોડ પર કૈલાસધારા પાર્ક પાસે આવેલ દર્શન સૃષ્ટિ એપાર્ટમેન્ટના 10 માળે રહેતાં તેના ફુવા મનદીપભાઈ અરૂણભાઈ ચરાડવાના ઘરે આવ્યો હતો.
ગઈકાલે સાંજે અચાનક જ મીતે 10માં માળે આવેલી ગેલેરીમાંથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે સોની પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. પુત્ર ગુમ થવા અંગે સોની પરિવારે વેરાવળમાં પોલીસને જાણ કરી હતી. ભાગીદાર સાથે બે કરોડની ઉઘરાણી બાબતે ચાલતાં ઝઘડાથી મીત ડિપ્રેશનમાં આવી ગયો હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું. આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા વેરાવળમાં પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. સોની પરિવારનો 21 વર્ષનો પુત્ર મિતના અવસાનથી પરિવાર ઉપર વજ્રઘાત તુટી પડયો હતો.
પિતા મિતને લેવા પહોંચે તે પૂર્વે જ પગલું ભરી લીધું
વેરાવળના વતની અને રાજકોટમાં ફુવાના ઘરે દર્શન સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં 10માં માળેથી આપઘાત કરી લેનાર મિત અંકીત માંડલીયાને તેના ભાગીદાર સાથે ઉઘરાણી બાબતે ચાલતાં ડખ્ખાના કારણે ભાગીદારે ધમકી આપતાં ડિપ્રેશનમાં આવી મિતે બે દિવસ પૂર્વે જ વેરાવળ છોડી દીધું હતું અને તે ગુમ થયો હતો. જેની જાણ તેના પિતા અંકીતભાઈ સહિતના પરિવારે પોલીસને કરી હતી. મિતની શોધખોળ ચાલુ હતી ત્યારે તે રાજકોટમાં રૈયા રોડ પર કૈલાસ ધારા પાર્ક પાસે દર્શન સૃષ્ટિ એપાર્ટમેન્ટના 10 માળે રહેતા તેના ફુવા મનદીપ ચરાડવાને ત્યાં હોવાની જાણ પરિવારને થઈ હતી. મિતના પિતા તેને લેવા માટે રાજકોટ આવ્યા હતાં. પિતા પોતાના પુત્રને સમજાવી ઘરે પરત લઈ જાય તે પૂર્વે મિતે ફુવાના ઘરે એપાર્ટમેન્ટના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
