શહેરમાં જામનગર રોડ પર નવી કોર્ટ પાસે રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા સાજડીયાળી ગામના યુવકને ‘તું અહિં કેમ આવ્યો ત્યારે અહિં નહીં આવવાનું’ તેમ કહી સાસરીયાએ છરી-ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના સાજડીયાળી ગામે રહેતો કૈલાશ વલ્લભભાઈ ઝખાણીયા નામનો 40 વર્ષનો યુવાન જામનગર રોડ પર નવી કોર્ટ પાસે હતો ત્યારે મધરાત્રે જીતેશ રાઠોડ અને રાજુ ચેતન નામના શખ્સે ઝઘડો કરી છરી અને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં કૈલાશ ઝખાણીયાની પત્ની છેલ્લા 15 દિવસથી માવતરે રિસામણે ચાલી આવી છે. ગઈકાલે કૈલાશ ઝખાણીયા પત્નીને તેડવા આવ્યો હતો ત્યારે હુમલાખોર બન્ને શખ્સે ‘તું અહિં કેમ આવ્યો, તારે અહિં નહીં આવવાનુ’ તેમ કહી છરી-ધોકા વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
