ધોરાજીમાં કેરમ રમતા ડખ્ખો થતા યુવાનને છરીના ઘા ઝીંક્યા

ધોરાજી શહેરમાં કેરમની રમતમાં થયેલી તકરારે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. શહેરના નસીબ ચોક વિસ્તારમાં કેરમ રમતી વખતે થયેલા સામાન્ય ઝઘડામાં એક શખ્સે યુવક પર…

ધોરાજી શહેરમાં કેરમની રમતમાં થયેલી તકરારે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. શહેરના નસીબ ચોક વિસ્તારમાં કેરમ રમતી વખતે થયેલા સામાન્ય ઝઘડામાં એક શખ્સે યુવક પર છરી વડે હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ધોરાજીમાં રહેતા કિશોરભાઈ નારણભાઈ સોલંકીએ કરેલી પોલીસમાં ભયુ ઉર્ફે સતીષ શામજીભાઈ પરમારનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર કિશોરનો ભાઈ દિલીપભાઈ સોલંકી અને આરોપી ભયુ ઉર્ફે સતીષ શામજીભાઈ પરમાર નસીબ ચોક પાસે સાથે બેસીને કેરમ રમી રહ્યા હતા. રમત દરમિયાન કોઈ કારણોસર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ તકરાર એટલી વધી ગઈ હતી કે આરોપી ભયુ ઉર્ફે સતીષે ઉશ્કેરાઈ જઈને પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે દિલીપભાઈ પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરે દિલીપભાઈના ચહેરાના ભાગે છરીનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે તેમના ગાલ પર મોટો ચીરો પડી ગયો હતો અને હોઠ પણ કપાઈ ગયો હતો. અચાનક થયેલા આ હુમલાને કારણે દિલીપભાઈ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા.

બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે કિશોરભાઈને તેમના મિત્ર હેમંત ચૌધરી દ્વારા ફોન પર જાણ કરી હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ કિશોરભાઈએ હુમલાખોર ભયુ ઉર્ફે સતીષ શામજીભાઈ પરમાર વિરુદ્ધ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 118(2) અને જી.પી.એકટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પીએસઆઈ જે.પી. મલ્હોત્રા ચલાવી રહ્યા છે. પોલીસ દ્વારા હુમલાખોરને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *