બગસરામાં ખૂંટિયાએ ઉલાળ્યા બાદ યુવકને કૂતરાએ બચકાં ભરી લેતાં ઘવાયો

કહેવાય છે કે ‘પડ્યા પર પાટું’, આવી જ એક કરુણ અને વિચિત્ર ઘટના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વઘાણીયા ગામે બની છે. અહીં એક શ્રમિક…

કહેવાય છે કે ‘પડ્યા પર પાટું’, આવી જ એક કરુણ અને વિચિત્ર ઘટના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વઘાણીયા ગામે બની છે. અહીં એક શ્રમિક યુવકને પહેલા તો રખડતા ખુટીયાએ જોરદાર હડફેટે લીધો હતો અને ત્યારબાદ જ્યારે તે અસહાય અવસ્થામાં હતો ત્યારે કૂતરાએ પણ બચકું ભરી લેતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, નવા વઘાણીયા ગામમાં રહેતા ઈશ્વરભાઈ નરશીભાઈ બાજક (ઉં.વ. 38) ગઈકાલે બપોરે 2 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ઉભા હતા. આ દરમિયાન અચાનક એક બેકાબૂ ખુટીયાએ તેમને અડફેટે લેતા તેઓ જમીન પર પટકાયા હતા અને બેભાન થઈ ગયા હતા. ગંભીર ઈજાના કારણે તેઓ હલનચલન કરી શકે તેમ નહોતા, ત્યારે જ ત્યાં દોડી આવેલા એક કૂતરાએ તેમને બચકું ભરી લેતા લોહીલુહાણ હાલતમાં ઘવાયા હતા.ઘટના બાદ ઈશ્વરભાઈને તાત્કાલિક પ્રથમ સારવાર માટે કુકાવાવ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની ગંભીર હાલત જોતા ત્યાંથી અમરેલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ મોડી રાત્રે વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ તેઓ તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

ઈશ્વરભાઈ વ્યવસાયે મજૂરી કામ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.તેમને સંતાનમાં બે બાળકો છે. ઘરના મોભી જ આ રીતે અકસ્માતનો ભોગ બનતા પરિવાર પર આર્થિક અને માનસિક મુસીબત આવી પડી છે.રખડતા પશુઓના ત્રાસના કારણે એક નિર્દોષ શ્રમિકની જિંદગી જોખમમાં મુકાતા ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *