રાજકોટમાં ગોલા લઈને ઘરે જતાં યુવકને અજાણ્યા શખ્સોએ માર મારી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ દિનપ્રતિદિન ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં મનહરપુર વિસ્તારમાં રહેતો યુવાન મધરાત્રે ગોલા…

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ દિનપ્રતિદિન ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં મનહરપુર વિસ્તારમાં રહેતો યુવાન મધરાત્રે ગોલા લઈ ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે અંધારામાં યુવકનું સ્કુટર રેંકડી સાથે અથડાતા યુવક નીચે પટકાયો હતો. જે દરમિયાન અજાણ્યા શખ્સોએ અંધારાનો લાભ લઈ યુવકને માર મારી તેની પાસે રહેલ મોબાઈલ અને રૂા.પાંચ હજારની રોકડની લુંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં માધાપર નજીક આવેલ મનહરપુર-1માં રહેતો વિનય રાજુભાઈ ઉકેડીયા નામનો 28 વર્ષનો યુવાન રાત્રીનાં સાડા અગિયારેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ શિતલ પાર્ક નજીક હનુબેનની ગૌશાળા પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે રેંકડી સાથે અકસ્માત સર્જાયો હતો. જે દરમિયાન અજાણ્યા શખ્સોએ યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં વિનય ઉકેડીયા એક ભાઈ એક બહેનમાં નાનો છે અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વિનય ઉકેડીયા ઈમીટેશનનું કામ કરે છે. વિનય ઉકેડીયા રાત્રીના સમયે પોતાનું બાઈક લઈ રામાપીર ચોકડી પાસે ગોલા લેવા ગયો હતો અને ગોલા લઈને ઘરે પરત ફરતો હતો ત્યારે અંધારામાં તેનું સ્કુટર રેંકડી સાથે અથડાતા વિનય નીચે પડી ગયો હતો. અંધારાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ માર મારી રૂા.15 હજારની કિંમતનો મોબાઈલ અને રૂા.પાંચ હજારની રોકડની લુંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *