માધાપર ગામ નજીક આવેલ ઈશ્વરીયા ફાટકની બાજુમાં હાલ નવનિર્મિત ડોગ સેન્ટરની સાઈટ પર કામ કરતા શ્રમિક યુવકને મોડી રાત્રે સુતી વેળાએ અચાનક જ છાતીમાં દુખાવો પડ્યા બાદ હાર્ટ એટેક આવતા તેમનું ટૂંકી સારવારમાં જ મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ,જામનગર રોડ પર આવેલ માધાપર ગામ નજીક આવેલ ઈશ્વરીયા ફાટકની બાજુમાં એક ડોગ સેન્ટરની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે, જ્યાં સેન્ટીંગનું કામ કરવા માટે ઉત્તરપ્રદેશથી આવેલ પંકજકુમાર શૈલેષકુમાર રામ (ઉ.વ.28) જે સાઈટ પર જ રહે છે. તેને ગઈ રાતે બારેક વાગ્યાની આસપાસ અચાનક જ છાતીમાં દુખાવો પડ્યા બાદ આવેલ હાર્ટએટેકથી તે બેભાન થઈ ગયો હતો. જેમને તુરંત જ 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઈ એમ.એ.વાઘેલા અને ટીમ તુરંત જ હોસ્પિટલે દોડી ગઈ હતી અને જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મળેલું વિગત મુજબ, મૃતક એક માસ પૂર્વે જ પોતાના વતન ઉત્તરપ્રદેશથી અહીં મજૂરી કામ અર્થે આવ્યો હતો.તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે, બંને સંતાનો પિતાની છત્રછાયા ગુમાવતા શ્રમિક પરિવારમાં શોક છવાયો હતો.
