જામનગર નજીક ધુવાવ પાસે આજે વહેલી સવારે પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક પર પ્રાંતિય શ્રમિક યુવાનનું અંતરિયાળ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પાછળ બેઠેલા એક બાળક અને એક યુવાનને ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કારચાલકની અટકાયત કરી લીધી છે, જ્યારે કાર કબજે કરી છે.
આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીકના ધુંવાવ પાસે આજે વહેલી સવારે પુરપાટ વેગે આવી રહેલી જી.જે. 10 ડી.જે.8441 નંબરની ફોર્ચ્યુન કારના ચાલકે સામેથી આવી રહેલા એક બાઇકને હડફેટમાં લઈ લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈક સવાર મનુ ડાવર નામના પર પ્રાંતિય યુવાનને ગંભીર ઇજા થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેની સાથે જ બાઈક પર બેઠેલા એક 12 વર્ષ ના બાળક તથા અન્ય એક યુવાન કે જે બંનેને ગંભીર ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત બનીને માર્ગ પર પડ્યા હતા. આ અકસ્માતના કારણે મોટરસાયકલ નો બુકડો બોલી ગયો હતો, જ્યારે કાર પણ ધડાકા સાથે અથડાઈ હોવાથી તેમાં નુકસાની થઈ હતી, અને કાર થંભી ગઈ હતી.
આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. એન.એમ.શેખ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા, અને 108 નંબરની એમ્બ્યુલન્સ ની ટિમ ની મદદ લઈ સૌપ્રથમ એક બાળક સહિતના બે ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જ્યારે કારના ચાલક હારુન કાંટેલિયા કે જેની અટકાયત કરી લઇ પોલીસ મથકમાં બેસાડી દીધો, અને તેની કાર કબજે કરી લીધી છે. ઉપરાંત મૃતક યુવાન નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ઉપરોક્ત અકસ્માતના બનાવ મામલે કાર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
