દેવગઢ બારીયા નગરના પ્રવાસન સ્થળ સમાન માનસરોવર ખાતે રવિવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાવલી ખાતે સાથે અભ્યાસ કરતા 3 મિત્રો રવિવારની રજા માણવા નીકળ્યા હતા.
પરંતુ કમનસીબે તેમની પૂરઝડપે જતી વર્ના કાર બેટ પાસેની સુરક્ષા દીવાલ તોડી સીધી સરોવરના ઊંડા પાણીમાં ખાબકી હતી. આ કાર હંકારતા રાજકોટના એક 24 વર્ષીય આશાસ્પદ યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે મિત્રોને સ્થાનિકોએ બચાવી લીધા હતાં.
પ્રાપ્ત વિગત અનુસાર, સાવલીમાં અભ્યાસ કરતા દેવગઢ બારીયાના 21 વર્ષિય પ્રીત રાકેશકુમાર અગ્રવાલ અને ધ્રુવરાજ પ્રજ્ઞેશભાઈ વરિયા તેમજ તેમનો રાજકોટનો મિત્ર 24 વર્ષિય રાહુલ વિનોદભાઈ ચાવડા રવિવારની રજા હોવાથી ફરવા નીકળ્યા હતા.
વર્ના ગાડી લઈને તેઓ માનસરોવરના બેટ પર પહોંચ્યા હતા. સાંજે રવિવારે આશરે 5.30 વાગ્યાના અરસામાં ગાડી ચલાવી રહેલા રાહુલ ચાવડાએ અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સેફ્ટી વોલ તોડીને સીધી પાણીમાં કૂદી પડી હતી.
કાર પાણીમાં પડતા જ થયેલા જોરદાર અવાજને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક યુવકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા પ્રીત અગ્રવાલ અને ધ્રુવરાજ વરિયાને જીવતા બહાર કાઢ્યા હતા. દુર્ઘટનામાં ગાડી ચલાવનાર રાહુલ ચાવડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ રાહુલનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ મામલે ઈજાગ્રસ્ત પ્રીત અગ્રવાલે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પ્રીત અગ્રવાલ વડોદરા ખાતે અને ધ્રુવરાજ વરિયા ગોધરા ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દેવગઢ બારીયા પો.સ્ટે.ના ઙજઈં ડી.આઈ. સોલંકી આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
