કલ્યાણપુર નજીક ટ્રકચાલકની બેદરકારીથી વીજપોલ પડતા પોશીત્રાના યુવાનનું અપમૃત્યુ

ઓખા મંડળના દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે રહેતા ધર્મેશભાઈ કરસનભાઈ માણેક નામના 21 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમની સાથે રાજભા સાંગાભા માણેક (ઉ.વ. 19) નામના યુવાનને…

ઓખા મંડળના દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે રહેતા ધર્મેશભાઈ કરસનભાઈ માણેક નામના 21 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમની સાથે રાજભા સાંગાભા માણેક (ઉ.વ. 19) નામના યુવાનને લઈને શનિવારે તેમના ભાઈના લગ્નની કંકોત્રી આપવા માટે કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે ગયા હતા.

કંકોત્રી આપીને સાંજના સમયે તેઓ મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા, ત્યારે કલ્યાણપુરથી નજીકના ગુરગઢ – ચરકલા હાઈવે પર ગફલતભરી રીતે ટ્રોલી ઊંચી રાખીને આવેલી આવી રહેલા જી.જે. 04 એ.ટી. 2152 નંબરના એક ડમ્પર ટ્રકના ચાલકની બેદરકારીના કારણે માર્ગ ઉપર ક્રોસિંગ થતી ઇલેક્ટ્રીક વીજ લાઈનના તારમાં ડમ્પર ટ્રકની ટ્રોલી ફસાઈ ગઈ હતી. જેના કારણે ઈલેક્ટ્રીક તાર ખેંચાતા તેમની બાજુમાંથી પસાર થઈ રહેલો ઇલેક્ટ્રીકનો તોતિંગ થાંભલો ખેંચાઈ ગયો હતો. જે તૂટીને ધર્મેશભાઈના માથા પર પડતા તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માત સર્જીને ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે રાજભા સાંગાભા માણેકની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ડમ્પર ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં પી.એસ.આઈ. એન.એન. વાળા દ્વારા આરોપી ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

તરૂણીનો આપઘાત
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતી પ્રગતિબા પ્રવીણસિંહ જાડેજા નામની 17 વર્ષની તરુણીને ઘરકામ બાબતે તેણીની બહેન સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતે તેણીને મનમાં લાગી આવતા શનિવારે રાત્રિના સમયે પ્રગતિબાએ તેણીના ઘરમાં રહેલા મગફળીમાં નાખવાના ઝેરી ટીકડા ગળી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પ્રવીણસિંહ ખુમાનસિંહ જાડેજાએ અહીંની પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *