ચુનારાવાડનો યુવાન માતાજીના માંડવામાંથી ઘરે આવી સુતા બાદ ઉઠ્યો જ નહીં : મોત

શહેરના ચુનારાવાડ ચોકમાં રહેતો યુવાન ગત રાત્રે માતાજીના માંડવામાં ગયો હતો. જયાથી વહેલી સવારે પરત ઘરે આવી સુતા બાદ ઉઠયો જ ન હતો. તેને બેભાન…

શહેરના ચુનારાવાડ ચોકમાં રહેતો યુવાન ગત રાત્રે માતાજીના માંડવામાં ગયો હતો. જયાથી વહેલી સવારે પરત ઘરે આવી સુતા બાદ ઉઠયો જ ન હતો. તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ મોત નીપજ્યુ હતું. મૃતક યુવાનના મોઢામાંથી ફીણ નીકળતા હોય જેથી ઝેરી દવા પી લીધાની શંકાના આધારે પોલીસે વિશેરા લઇ મૃત્યુનુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ચુનારાવાડ શેરી નં.2/3માં રહેતો સુરજ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.24)નામનો યુવાન ગઇકાલે રાત્રે માતાજીના માંડવામાં ગયો હતો જયાથી સવારે પાંચ વાગ્યે પરત ઘરે આવી સુઇ ગયો હતો. બાદમાં સવારે પરિવારજનો તેને ઉઠાડતા તે ઉઠી રહ્યો ન હોય જેથી બેભાન હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક સુરજ એક બહેનનો એકનો એક મોટોભાઇ હતો. તે કલરકામ કરતો હતો. તેના લગ્ન નવ મહિના પહેલા જ થયા હતા. જો કે, પત્ની કિંજલ પાંચ મહિનાથી રિસામણે હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે તેના મોઢામાંથી ફિણ નીકળતા હોય જેથી ઝેરી દવા પી લીધાની શંકાના આધારે તબીબો દ્વારા તેનુ પીએમ કરી મૃત્યુનું કારણ જાણવા વિશેરા લઇ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ બહાર આવશે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *